- AIIO ચીફ ડૉ. ઈમામ ઉમર થયા હતા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં સામેલ
- કાર્યક્રમના બીજા દિવસથી જ મળી રહી છે મારી નાખવાની ધમકી: ઈમામ
- જે લોકો મને નફરત કરે છે તેમણે પાકિસ્તાન જતાં રહેવું જોઈએ: ઈમામ
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેનાર ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઈમામ ડૉ. ઈમામ ઉમર અહેમદ ઇલયાસી વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ડૉ. ઈમામ ઉમર સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની અન્ય પ્રખ્યાત હસ્તીઓએ ભાગ લીધો હતો. આ અંગે ઈમામે કહ્યું છે કે જે લોકોને મારા માટે નફરત છે તેમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.
ફતવો જાહેર થયા બાદ ડૉ. ઇમામ ઉમરની પ્રતિક્રિયા સામે આવી છે. પોતાની પ્રતિક્રિયામાં ડૉ. ઈમામ ઉમરે કહ્યું છે કે, ‘મને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી આમંત્રણ મળ્યું હતું. મેં બે દિવસ સુધી વિચાર કર્યો અને પછી સદભાવનાની દ્રષ્ટિએ અયોધ્યા જવાનું નક્કી કર્યું. ફતવો ગઈકાલે એટલે કે રવિવારે જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ મને 22 જાન્યુઆરીની સાંજથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.
ડૉ. ઇમામ ઉમરે વધુમાં કહ્યું કે ‘મેં કેટલાક કૉલ્સ રેકોર્ડ પણ કર્યા છે, જેમાં કૉલ કરનારાઓ મને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જે લોકો મને પ્રેમ કરે છે અને દેશને પ્રેમ કરે છે તેઓ મને સાથ આપશે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપવા માટે જે લોકો મને નફરત કરે છે તેઓએ કદાચ પાકિસ્તાન જવું જોઈએ.


