- દુનિયામાં અમેરિકાની આની ટીકા થઈ
- યુનોએ મોતની આવી પદ્ધતિ પર આકરી ટીકા કરી
- દુનિયામાં કોઈ કેદીને પહેલીવાર નાઈટ્રોજન ગૅસ આપી મોત આપ્યાનો પહેલો કેસ
અમેરિકાના અલાબામામાં નાઈટ્રોજન ગૅસથી હત્યાના દોષિત વ્યક્તિની હત્યાને લઈને દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વ્હાઇટ હાઉસે પણ આ રીતે મૃત્યુદંડ આપવા પર ચિંતા વ્યક્ત કરી છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠને પણ તેને ક્રૂર પદ્ધતિ ગણાવીને તેની આકરી ટીકા કરી છે.
વ્હાઈટ હાઉસે આ પ્રકારના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી
વ્હાઇટ હાઉસે કહ્યું કે નાઇટ્રોજન ગૅસનો ઉપયોગ ચિંતાજનક છે. અમે આનાથી અત્યંત દુખી અને વ્યથિત છીએ. અમેરિકામાં ઝેરના ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવામાં આવે છે, પરંતુ અલાબામા, ઓક્લાહોમા અને મિસિસિપીમાં નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડ આપવાની જોગવાઈ છે. અલાબામા એટર્ની જનરલ સ્ટીવ માર્શલે નાઇટ્રોજન ગૅસ દ્વારા કેનેથ સ્મિથને ફાંસી આપવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે બધું જ પ્રોફેશનલ રીતે કરવામાં આવ્યું હતું અને અમે ભવિષ્યમાં પણ આ રીતે કેદીઓને મૃત્યુદંડ આપવાનું ચાલુ રાખીશું.
કેનેથ તેના મોત પહેલાં ખૂબ રિબાયો
કેનેથ સ્મિથને 1988માં પાદરીની પત્નીને ગોળી મારીને હત્યા કરવા બદલ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ગુરુવારે, કેનેથને ફેસમાસ્ક દ્વારા નાઈટ્રોજન ગૅસ શ્વાસમાં લઈને ફાંસી આપવામાં આવી હતી. કેનેથની મૃત્યુદંડની સજા દરમિયાન હાજર લોકોએ પણ તેને અત્યંત ભયાનક ગણાવ્યું હતું. તેણે કહ્યું કે નાઈટ્રોજન ગૅસ તેના શરીરમાં પ્રવેશ્યા પછી બેથી ચાર મિનિટ પછી કેનેથ ખૂબ જ પીડામાં હતો, ત્યારબાદ તેણે જોર-જોરથી શ્વાસ લીધો અને પછી તરફડીને તેનું મૃત્યુ થયું. આ સમગ્ર પ્રક્રિયામાં પાંચ મિનિટનો સમય લાગ્યો હતો.
યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશનના વડા વોલ્કર તુર્કે નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુની પદ્ધતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને ત્રાસ, ક્રૂર અને અમાનવીય ગણાવી હતી. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા રવિના શામદાસાનીએ મૃત્યુદંડ પર પ્રતિબંધની માંગ ઉઠાવી અને કહ્યું કે 21મી સદીમાં પણ આવી પદ્ધતિઓનો ઉપયોગ ખોટો છે. યુરોપિયન યુનિયને પણ મૃત્યુની આ પદ્ધતિની ટીકા કરી અને કહ્યું કે આ રીતે કોઈને પણ મૃત્યુદંડ ન આપવી જોઈએ.
કેનેથ પાદરીની પત્નીની હત્યાનો દોષી હતો
વર્ષ-1988માં કેનેથ સ્મિથે તેના પાર્ટનર જોન પાર્કર સાથે મળીને પાદરીની પત્ની એલિઝાબેથ સેનેટની હત્યા કરી હતી. એલિઝાબેથના પતિએ આ હત્યાનો કોન્ટ્રાક્ટ કેનેથ અને પાર્કરને આપ્યો હતો. પાર્કરને વર્ષ-2010માં જ ઝેરના ઈન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. નવેમ્બર 2022માં આ જ રીતે કેનેથને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈન્જેક્શન માટે હાથની નસો ન મળતી હોવાને લીધે કેનેથની મૃત્યુદંડની સજા તે સમયે મોકૂફ રાખવામાં આવી હતી.


