- ફેરિયાઓને જગ્યાની ફાળવણી માટે ભાડા બાબતે વિવાદ
- માર્ગના નવીનીકરણ, ક્રિક્રેટ ટૂર્ના.ના ખર્ચના મુદ્દે વિપક્ષનો વિરોધ
- સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટમાં ભાડાનો મુદ્દો બીજી જનરલ બોર્ડ સુધી પેન્ડિંગ રખાયો : પ્રમુખ
આણંદ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ મુજબ ફેરિયાઓને હંગામી ધોરણે જગ્યા ફાળવવા માટે ભાડાની રકમના મુદે વિવાદ થયો હતો. સભાની શરૂઆતમાં જ પ્રમુખ જિજ્ઞેશ પટેલ દ્ધારા આ મુદને પેન્ડિંગ રાખવાની જાહેરાત કરી હતી, તો વિપક્ષ તથા અપક્ષના સભ્યએ લેખિત રજૂઆત કરી આ કામને મુલત્વી રાખવાના બદલે સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન હેઠળના માસિક ભાડાની રકમમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, એજન્ડામાં સમાવિષ્ટ કુલ 77 કામો પૈકી કામ નં. 6ના સ્ટ્રીટ વેન્ડીંગ એક્ટના મુદને બાદ કરતા બાકીના 76 કામો મંજૂર કરી માત્ર ગણતરીની સેકન્ડમાં સામાન્ય સભાને આટોપી લેવામાં આવી હતી. આજે યોજાયેલી પાલિકાની સામાન્ય સભાના એજન્ડાના 77 મુદ પૈકી કામ નં. 5 (મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર)ની દુકાનો તથા ઓફિસોના નવ વર્ષનો ભાડાપટ્ટો પૂરો થયો હોય તેમાં 50 ટકાનો વધારો કરી ભાડાપટ્ટો વધારી આપવા બાબત), કામ નં. 59 (જ્યોતિ સામાજિક સેવા સંસ્થાની મુદ્તમાં એક વર્ષનો વધારો કરવા બાબત), કામ નં. 61 (નગરપાલિકાના સભ્યો તથા કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી તેની પાછળ રૂા. દોઢ લાખનો ખર્ચ કરવા બાબત) તથા કામ નં. 24 (મંગળપુરા રોડ પર આર.સી.સી. રોડ, પેવર બ્લોક, ફૂટપાથ તથા સ્ટ્રીટ લાઈટ વગેરેની કામગીરી બદલ રૂા. 2.33 કરોડ ઉપરાંતનું ફંડ પાલિકાના સ્વભંડોળમાંથી ચૂકવવા બાબત)ના કામનો કોંગ્રેસના વિપક્ષના સભ્યોએ સખત વિરોધ કર્યો હતો. જ્યારે કામ નં. 6, 30થી 33 તથા 69માં સુધારો કરવાની માંગ કરી હતી. સભાની શરૂઆતમાં આ અંગે પાલિકાના વિપક્ષી નેતા ર્ડા. જાવેદ વ્હોરાએ લેખિત રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત ખોદકામ કરાયેલા રસ્તાઓ પર યોગ્ય પુરાણ તથા રોડ લેવલીંગ અને પેચવર્ક કરાયેલા રસ્તા સાવ બિસમાર હાલતમાં હોવાથી નાગરિકોને પડતી હાલાકીને ધ્યાને લઈ પાલિકાના સ્વભંડોળમાંથી આવા રસ્તાનું પેચવર્ક કરી આપવા વિપક્ષના તમામ સભ્યોની સહીઓ સાથે લેખિત રજૂઆત કરી હતી.


