- વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે
- નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબલેટમાંથી જ રજૂ કરશે
- અત્યાર સુધીનુ સૌથી મોટુ બજેટ રજૂ થવાની સંભાવના
નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. જેમાં કનુ દેસાઈએ જણાવ્યું છે કે આ બજેટ ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈ વાળુ છે. PM મોદીએ વિકસિત ભારત 2047 નું આહ્વાન કર્યું છે. CMએ રોડ મેપ નક્કી કર્યો છે. નારી યુવા ખેડૂતને પ્રાધાન્ય આપ્યું છે.
કોંગ્રેસે બજેટનો વિરોધ નોંધાવ્યો છે
નાણા વિભાગના અધિકારીઓ વિધાનસભા પહોંચ્યા ત્યારે કોંગ્રેસે બજેટનો વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચી વિરોધ નોંધાવ્યો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, અગાઉથી રજા લઈને કામ હોવાથી ગયા છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે તેમના નિવાસસ્થાનેથી વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવા નીકળ્યા છે. આજે તેઓ બ્લેક એન્ડ ગોલ્ડ બ્રિફકેસમાં ગુજરાતના બજેટ સાથે જોવા મળ્યા છે.
વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનું બજેટ અંગે નિવેદન
વિધાનસભામાં વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનું બજેટ અંગે નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવ્યું છે કે ગુજરાતની પ્રજાએ 156 બેઠક ભાજપને આપી છે ત્યારે બજેટથી ઘણી આશા છે. ખેડૂતો, ગૃહિણીઓ અને યુવાઓને બજેટથી રાહતની આશા છે. મધ્યમવર્ગના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે ત્યારે પ્રજા ભાજપથી આશા રાખીને બેઠી છે.
વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે
નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. જેમાં વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ ટેબલેટમાંથી જ બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનુ સૌથી મોટુ બજેટ રજૂ થવાની સંભાવના છે. તેમજ 3.30 લાખ કરોડ આસપાસ બજેટનું કદ રહેવાની શક્યતા છે.
આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા
આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો લઈને આવે તેવી સંભાવના છે. દેશના વડાપ્રધાન બની નરેન્દ્ર મોદી 2014માં દિલ્હી ગયા ત્યારપછી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ સૌપ્રથમ વખત મહિલા બજેટ થીમ લાવ્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌપ્રથમ વખત પેપરલેસ બજેટ લાવ્યા હતા. જ્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે ત્રીજું બજેટ છે. 2023-24ના બજેટની થીમ પોથી હતી. તેમજ આત્મનિર્ભર બજેટ તરીકે પણ ઓળખ આપી હતી. વર્ષ 2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી.
ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે
આરોગ્ય, શિક્ષણ અને કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મુકવામાં આવશે. તેમજ પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનુ બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાતો પણ કરી શકે છે.


