- વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલાં દેશમાં ચાર જાતિઓ હોવાનો ઉલ્લેખ કર્યો
- યુવા, મહિલા, ગરીબ અને ખેડૂત પર બજેટમાં ખાસ ધ્યાન અપાયું
- ખેડૂતોને પીએમ કિસાન સન્માનનિધિનો લાભ
જાતિગત રાજકારણ પર પ્રહાર કરતાં વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલાં દેશમાં ચાર જાતિઓ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં માત્ર ચાર જાતિ જ છે. તેમના કલ્યાણ થકી જ ભારત વિકસી શકશે. વડાપ્રધાન મોદીએ તે ચાર જાતિ ગણાવતાં ગરીબ, ખેડૂત, મહિલા અને યુવાનોનો ઉલ્લેખ કર્યો હતો. નાણાપ્રધાન નિર્મલા સીતારામને પણ બજેટ રજૂ કરતી વખતે તે ચાર જાતિ પર ખાસ ધ્યાન આપ્યું હતું. વચગાળાનું બજેટ રજૂ કરતાં સીતારામને વીતેલા 10 વર્ષમાં આ સમૂહો માટે થયેલા કાર્યોની વિગતો આપતાં કહ્યું હતું કે આગળ પર પણ તેમના માટે જોગવાઇ થઈ શકે છે. નાણાપ્રધાન દ્વારા પેશ થયેલી બજેટ કોપીમાં સૌ પ્રથમ ગરીબ કલ્યાણનો ઉલ્લેખ હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી રૂપિયા 2.7 લાખ કરોડ ગરીબોના ખાતામાં સીધા જમા કરીને વચેટિયાથી તેમનું રક્ષણ કર્યું છે. દેશના 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 78 લાખ ફેરિયાને રોજગારી વિસ્તાર માટે લોન આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિશ્વકર્મા યોજનાથી કારીગરોને કઇ રીતે લાભાન્વિત કર્યા તેનો પણ ઉલ્લેખ કર્યો છે.
યુવાનો અને ખેડૂતો માટે શું ?
યુવાનોની વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટના વખાણ કર્યા હતા. સંશોધન અને નવાચાર માટે બજેટમાં 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણીને વધાવી લીધી હતી. સ્કિલ ઇન્ડિયા મિશન હેઠળ દેશના 1.4 કરોડ યુવાનોને તાલીમબદ્ધ કરાયાનો ઉલ્લેખ કર્યો હતો. મુદ્રા યોજનાના માધ્યમથી 43 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર થયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશના 11.8 કરોડ ખેડૂતો વિષે પણ બજેટમાં વાત કરવામાં આવી છે. તે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે. તે ઉપરાંત 4 કરોડ ખેડૂતો પાક વીમા યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે. ઇ-નામ યોજના હેઠળ 1361 ખેતીવાડી બજારોનું એકીકરણ કરવામાં આવ્યું છે.
સૌથી મોટી વોટબેન્ક મહિલાઓ માટે શું ?
મહિલાઓની વાત કરવામાં આવે તો ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ એલપીજી સિલિન્ડર આપ્યા હોવાનો બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય હોવાનો પણ બજેટમાં ઉલ્લેખ છે. નાણાપ્રધાને કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં કન્યા પ્રવેશ વધ્યો છે. મહિલાઓને ટાર્ગેટ કરીને તૈયાર થતી યોજનાઓ રાજકીય ફાયદો પણ આપે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપની જીત પાછળ આ પ્રબળ કારણ રહ્યું.


