- કાળા નાણાંના દૂષણને ડામવા ત્રણ એજન્સીએ કેસ કર્યા
- પાંચ હજાર કરોડના બ્લેક મનીની હેરાફેરીના સૂત્રધારો R.R.
- અમિત અને મહાદેવ હજુ પણ પોલીસ પકડથી દૂર
અમદાવાદના માધુપુરામાંથી પીસીબીએ રૂ.1,800 કરોડ, સીઆઈડી ક્રાઈમે રૂ.1,195 કરોડનું અને રાજકોટ પોલીસે મળીને કુલ પાંચ હજાર કરોડથી વધુના કાળા નાણાંની હેરાફેરી કરતા બોગસ બેંક એકાઉન્ટો ઝડપી ક્રિકેટ સટ્ટા, ઓનલાઈન ગેમિંગ અને શેર ડબ્બા ટ્રેડિંગના બેનંબરી ધંધા કરતા બુકીઓ અને જુગારીઓને સંકજામાં લેવાનો પ્રયાસ કર્યો પણ આ ગેંગના મૂળિયા હજુ સુધી હલ્યા નથી. કાળા નાણાંની હેરાફેરી રોકવા માટે કરવામાં આવેલા આ કેસોની તપાસમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓએ તોડબાજીઓ શરૂ કરતા આક્ષેપો થયા અને પોલીસ અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. આમ, જે દૂષણને ડામવા માટે પોલીસ સક્રિય થઈ તે દૂષણ દૂર થયું નહીં પણ પોલીસ તેમાં ભરાઈ પડી. જ્યારે કાળા નાણાંની હેરાફેરી કરતા ટોચના બુકીઓ આર.આર, અમિત મજેઠિયા અને મહાદેવ બુકના સંચાલકો પોલીસ પકડમાં આવ્યા નથી. તાજેતરમાં સીઆઈડી ક્રાઈમ અને રાજકોટ પોલીસે કાળા નાણાંનું ટ્રાન્ઝેકશન થયું હોય તેવા બેંક એકાઉન્ટ શોધી કેસો કર્યા પણ તોડકાંડને પગલે તેઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
માધુપુરામાંથી પીસીબીએ માર્ચ,2023માં ક્રિકેટ સટ્ટા, શેર ડબ્બા ટ્રેડિંગના રૂ.1,800 કરોડના કાળા નાણાંની હેરાફેરીનું રેકેટ ઝડપી એક હજારથી વધુ બેંક એકાઉન્ટો શોધી કાઢયા હતા. એસઆઈટીની રચના કરી સમગ્ર મામલે તપાસ શરૂ થયાના ગણતરીના સમયમાં પીસીબીએ બેંક ખાતાધારકો પાસેથી ઉઘરાણાં શરૂ કર્યાના આક્ષેપો શરૂ થયા હતા. ડીજીપી વિકાસ સહાય સુધી મામલો પહોંચતા કેસની તપાસ અને તોડકાંડની ઈન્કવાયરી એસએમસીને સોંપવામાં આવી હતી. એસએમસીએ ઈન્કવાયરી કરીને રિપોર્ટ સોંપ્યો કે, તરલ ભટ્ટ આણી મંડળીએ પૈસા લીધા અને પાછા આપ્યાનું અમારી તપાસમાં સ્પષ્ટ થયું છે. જેથી તરલ ભટ્ટ અને તેની સાથે પોલીસ કર્મચારીઓ તુષારદાન, હિંમતસિંહ અને નૌશાદને સસ્પેન્ડ કરી તેઓએ લાંચ માંગ્યાના મામલાની તપાસ એસીબીને સોંપવી જોઈએ તેવું તારણ આપ્યું હતું. આ મામલો બહાર આવતા હવાલા રેકેટના બેંક એકાઉન્ટો ઝડપાવવાના કેસો અચાનક બંધ થઈ ગયા હતા. જાન્યુઆરી, 2024માં સીઆઈડી ક્રાઈમ અને રાજકોટ પોલીસે બુકી રાજદેવ ઉર્ફે આર.આર., અમિત મજેઠીયા આણી મંડળીના સટ્ટા રેકેટના કાળા નાણાંની હેરાફેરી કરતા બેંક એકાઉન્ટો અને હવાલા રેકેટ ઝડપી ગુના દાખલ કર્યા હતા. આ ગુના દાખલ કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને કેટલાક આરોપીઓને ઝડપ્યા હતા. આમ એક વર્ષના ગાળામાં પોલીસે પાંચ હજાર કરોડથી વધુના કાળા નાણાંની હેરાફેરી કરતા બોગસ બેંક એકાઉન્ટો ઝડપી પાડયા હતા. આ ગાળામાં જુનાગઢ પોલીસ દ્વારા ગુપ્ત ઈનપૂટ ઉભા કરી ફ્રીઝ કરેલા બેંક એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે પૈસા પડાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થતા જ પીઆઈ તરલ ભટ્ટ, એ.એમ.ગોહિલ અને એ.એસ.આઈ દીપક જાની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લઈને ડીજીપી વિકાસ સહાયે આ કેસની તપાસ એટીએસને સોંપી દીધી હતી. પોલીસની આબરૂના લીરા ઉડાડતા તોડકાંડને પગલે કાળા નાણાંની હેરાફેરીના કેસની તપાસ કરી રહેલા સીઆઈડી ક્રાઈમ અને રાજકોટ પોલીસના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આમ, કાળા નાણાંની હેરાફેરી રોકી બુકીઓને ડામવાના પ્રયાસમાં જે પોલીસ સક્રિય થઈ તેમાં ભ્રષ્ટાચાર કરનાર પોલીસ અધિકારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. કાળા નાણાંની હેરાફેરી માટે બોગસ બેંક એકાઉન્ટો ખોલાવવાના રેકેટના સૂત્રધારો એવા ટોચના બુકીઓ આર.આર., અમિત મજેઠીયા અને મહાદેવ બુકના સંચાલકો પોલીસ પકડથી દૂર રહ્યા અને સટ્ટા રેકેટ પણ ખુલ્લેઆમ ચાલી જ રહ્યું છે. બીજી તરફ જાન્યુઆરી, 2024માં થયેલા કાળા નાણાંની હેરાફેરીના કેસોની તપાસ કરતા અધિકારીઓ માટે પણ તોડકાંડ ચેતવણીરૂપ બન્યો છે.
તરલ ભટ્ટની ધરપકડને પગલે અન્ય નામો ખૂલે તેવી શક્યતા
માણાવદરના તત્કાલીન સીપીઆઈ તરલ ભટ્ટની એટીએસએ ધરપકડ કરતા સમગ્ર મામલામાં વધુ પોલીસ કર્મચારીઓના અને બાતમીદારોના નામ બહાર આવે તેવી શક્યતાઓ એટીએસના સૂત્રોએ વ્યક્ત કરી છે. તોડકાંડના આરોપી તરલ ભટ્ટ સાથે ઉચ્ચ પોલીસ અધિકારી કે અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની સંડોવણી હતી કે નહીં તે મામલે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ, એ.એમ.ગોહિલ અને એએસઆઈ દીપક જાનીએ જે રીતે સમગ્ર ગુનાનો અંજામ આપ્યો તે જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાનું સિનિયર આઈપીએસ અધિકારીઓ માની રહ્યા છે. જે મામલાને એટીએસને આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી કોઈપણ જવાબદારને છોડવાના નથી તેવી સ્પષ્ટ સૂચના મળી છે. બીજી તરફ આ કેસમાં કોલસેન્ટર ચલાવતા શખ્સે બેનંબરના ધંધાના હરીફોને પછાડવા માટે પોલીસને વિરોધીઓને બાતમી આપી હોવાની શંકા એટીએસને છે.


