- નવસારી અને સુરત જિલ્લામાંથી રૂપિયા 15 કરોડ જેટલી થાપણ મેળવી
- જિલ્લામાં બેંક કરતા ઊંચા વ્યાજદર આપવાની લાલચ આપી
- હવે થાપણદારોએ વિપક્ષનું શરણું લઈ ધારાસભ્ય અનંત પટેલ પાસે મદદ માગી
નવસારી જિલ્લામાં બેંક કરતા વધુ વ્યાજ મેળવવાની લાલચમાં અનેક લોકો છેતરાયા છે. 2015થી અસ્તિત્વમાં આવેલી કો ઓપરેટીવ સોસાયટીએ થાપણદારોને વર્ષ 2019 બાદ ચુકવણા બંધ કરતા રોકાણકારોને રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. રોકાણકારોને પોલીસે વિભાગ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ દાદ ન આપતા હવે થાપણદારોએ વિપક્ષનું શરણું લઈ ધારાસભ્ય અનંત પટેલ પાસે મદદ માગી છે.
સુરત જિલ્લામાં બેંક કરતા ઊંચા વ્યાજદર આપવાની લાલચ આપી
વર્ષ 2015થી અસ્તિત્વમાં આવેલી શક્તિ મલ્ટી પર્પઝ કો.ઓ સોસાયટી દ્વારા નવસારી સહિત સુરત જિલ્લામાં બેંક કરતા ઊંચા વ્યાજદર આપવાની લાલચ આપી થાપણો લેવાની શરૂઆત કરાઈ હતી. નાની બચત યોજના, ડેઇલી રીકરિંગ, ફિક્સ ડિપોઝિટ, માસિક પેન્શન યોજના જેવી સ્કીમો હેઠળ રોકાણકારો પાસે કરોડો રૂપિયાની થાપણ લીધી હતી. જેની સામે થાપણદારોને બેંક કરતા ત્રણથી ચાર ટકા જેટલું વધુ વ્યાજ આપવાની લાલચ આપી હતી. જોકે વર્ષ 2019 બાદ શક્તિ કો.ઓ સોસાયટી દ્વારા ચુકવણા બંધ કરી દેવાતા થાપણદારો મુશ્કેલીમાં મુકાયા હતા. થાપણદારોએ ત્યારબાદ નવસારી અને સુરત ખાતે અનેકવાર પોલીસ વિભાગ સહિત જિલ્લા કલેકટરને રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઈ પગલાં ન લેવાતાં છેતરાયેલા થાપણદારોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ જોડે બેઠક યોજી મદદ માંગી હતી.
નવસારી અને સુરત જિલ્લામાંથી રૂપિયા 15 કરોડ જેટલી થાપણ મેળવી
શક્તિ કો.ઓ.સોસાયટીના સંચાલકો એજન્ટો મારફત નવસારી અને સુરત જિલ્લામાંથી રૂપિયા 15 કરોડ જેટલી થાપણ મેળવી હતી. જેમાં 15 હજાર જેટલા નાના રોકાણકારોને ચુકવણા કરવા મામલે હાથ ઊંચા કરી દેતા એજન્ટો સહિત રોકાણકારો મુશ્કેલીમાં મુકાયા હતા. સોસાયટીના ત્રણ ડાયરેક્ટર અને કમિટી મેમ્બરોએ ચુકવણામાં ગ્લલા ટલ્લા કરવા માંડ્યા હતા. જેને લઇ એજન્ટો સહિત રોકાણકારોએ ન્યાય માટે પ્રસાશનના દ્વાર ખખડાવી આજીજી કરી હતી. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા હવે ધારાસભ્ય અનંત પટેલની મદદ માંગી છે. જેમાં અનંત પટેલે ઉચ્ચ અધિકારીઓને મળ્યા બાદ કોઈ કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.


