- જીવન જીવવાની સરળતા વર્તમાન સરકારની પ્રાથમિકતા : વડાપ્રધાન
- મા કામાખ્યા દિવ્યલોકનો શિલાન્યાસ,આસામ પૂર્વોત્તરમાં પર્યટનનું પ્રવેશદ્વાર બનશે
- વડાપ્રધાનએ 11,600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કે લોકાર્પણ કર્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના આસામ પ્રવાસના બીજા દિવસે ગુવાહાટીના ખાનાપારા વેટરનરી ફીલ્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કુલ 11,600 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કે લોકાર્પણ કર્યા હતા. ત્યાર બાદ તેમણે વિશાળ જાહેરસભાને સંબોધતા કહ્યું કે તેમણે આજે જે યોજનાઓનો પાયો નાખ્યો છે તેનાથી આવનારા સમયમાં રાજ્યમાં રોજગારીમાં ઘણી વૃદ્ધિ થશે. વિકાસ અને વારસો અમારી સરકારની નીતિ છે. આસામમાં ડબલ એન્જિનની સરકાર માત્ર વિકાસની નીતિ પર કામ કરે છે. આજે મને ફરી એકવાર મા કામાખ્યાના આશીર્વાદથી આસામના વિકાસ માટેના પ્રોજેક્ટ્સ તમને સોંપવાનું સૌભાગ્ય સાંપડયું છે. થોડી વાર પહેલાં અહીં 11 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત/લોકાર્પણ થયું છે. આ પ્રોજેક્ટ્સ દક્ષિણ એશિયાના દેશો સાથે આ ક્ષેત્રની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે.
તેમણે વિકાસ યોજનાઓથી રાજ્યમાં તબીબી શિક્ષણ અને આરોગ્યસંભાળ ક્ષેત્રના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. મા કામાખ્યા સમક્ષ આજે પધારવા બદલ અને મા કામાખ્યા દિવ્ય લોક પરિયોજનાનો શિલાન્યાસ કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ પરિયોજના પર પ્રકાશ પાડતા મોદીએ માહિતી આપી કે પરિયોજના પૂર્ણ થયા પછી ભક્તો માટે સુલભતા વધશે. મા કામાખ્યાનાં દર્શન માટે શ્રાદ્ધાળુઓની સંખ્યા વધવાથી આસામ પૂર્વોત્તરમાં પ્રવાસનનું પ્રવેશદ્વાર બનશે. પીએમ મોદીએ આઝાદી પછીની સરકારો પર રાજકીય લાભ માટે પોતાની સંસ્કૃતિ અને ઓળખ પર શરમ અનુભવવાનો ટ્રેન્ડ શરૂ કરવા અને ભારતના પવિત્ર સ્થળોના મહત્વને સમજવામાં નિષ્ફ્ળ રહેવા બદલ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે વિકાસ અને વારસો- બંને પર ધ્યાન કેન્દ્રિત કરતી નીતિઓની મદદથી છેલ્લાં 10 વર્ષમાં તેને સુધારવામાં આવ્યું છે. આઇઆઇટી અને આઇઆઇએમ જેવી અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના વિસ્તરણની નોંધ લેતા તેમણે જણાવ્યું કે અગાઉ આવી સંસ્થાઓ મોટા શહેરોમાં જ સ્થપાતી. જોકે હવે તેમનું નેટવર્ક સમગ્ર દેશમાં ફ્લાયું છે. આસામમાં મેડિકલ કોલેજો 6 હતી, જે વધીને 12 થઇ છે. રાજ્ય ધીમે ધીમે પૂર્વોત્તરમાં કેન્સરની સારવારનું કેન્દ્ર બનશે.
2004ની ભૂલોનું પુનરાવર્તન ન કરવા પીએમ મોદીની મંત્રીઓને ચેતવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની કેબિનેટના મંત્રીઓને આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે મંત્રીઓ કોઇ પણ રાજકીય વિશ્લેષકોની વાતોમાં ના આવે અને 2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષની જીત માટે પોતાના સર્વશ્રોષ્ઠ પ્રયત્નો કરે. અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થવા સાથે હિન્દી બેલ્ટ સહિત દેશભરમાં ભાજપ માટે અનુકૂળ માહોલ છે તેવા સમયે વડાપ્રધાને તેમના મંત્રીઓને આ ચેતવણી આપતા કહ્યું છે કે કામ પૂરું ન થઇ જાય ત્યાં સુધી તેને પૂરું માની શકાય નહીં. ભાજપને હજુ પણ 2004ની લોકસભા ચૂંટણીનો ડર સતાવી રહ્યો છે કે જ્યારે તેની નેતાગીરીએ છેલ્લી ઘડીએ લાપરવાહી દાખવી હતી.


