- 23મી ફેબ્રુઆરીથી બીજી સિઝનનો પ્રારંભ થશે
- બેંગ્લોર તથા નવી દિલ્હી ખાતે મેચો રમાશે
- નૂશીન અલખદીર ટીમની બોલિંગ કોચ રહેશે
વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન પહેલાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ ક્લિંગરની અદાણી સ્પોર્ટ્સ લાઇનની માલિકી હેઠળની ગુજરાત જાયન્ટ્સ ટીમના હેડ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. 23મી ફેબ્રુઆરીથી બીજી સિઝનનો પ્રારંભ થશે અને બેંગ્લોર તથા નવી દિલ્હી ખાતે મેચો રમાશે. ક્લિંગર ટીમની મેન્ટર તથા સલાહકાર ભારતની ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ સાથે કાર્ય કરશે. નૂશીન અલખદીર ટીમની બોલિંગ કોચ રહેશે. ક્લિંગરે તાજેતરમાં વિમેન્શ બિગ બેશ લીગમાં ચોથા ક્રમે રહેલી સિડની થન્ડર ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકેની ભૂમિકા અદા કરી હતી. તેમણે 2019થી 2021 સુધી મેલબોર્ન રેનેગેડ્સ મેન્સ ટીમના હેડ કોચ તરીકેની ભૂમિકા પણ અદા કરી હતી. માઇકલ ક્લિંગરે જણાવ્યું હતું કે ગુજરાત જાયન્ટ્સ ટીમ પાસે બીજી સિઝનમાં પોતાની ક્ષમતા પુરવાર કરવાની તમામ તક રહેલી છે. મિતાલી રાજ સાથે કાર્ય કરવા માટે હું ઉત્સાહિત થયો છું. અદાણી સ્પોર્ટ્સ લાઇન, મિતાલી અને ટીમના અન્ય સહાયક સ્ટાફ સાથે મળીને અમે ટીમને સફળ બનાવવાના તમામ પ્રયાસ કરીશું.


