- 1 જાન્યુઆરી 2024 સુધીમાં 2.68 કરોડ નવા મતદાર ઉમેરાયા
- દેશમાં કુલ મતદારની સંખ્યા 97 કરોડ થઈ
- 1.83 કરોડ પહેલી વાર મતદાન કરશે
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે 1.66 કરોડ કરતાં વધારે મતદારોનાં નામ મતદારયાદીમાંથી હટાવી દીધાં છે, જ્યારે સુધારેલા લિસ્ટમાં 2.68 કરોડ કરતાં વધારે લોકોનાં નામ સામેલ પણ કરવામાં આવ્યાં છે. તેની સાથે 2024માં થનારી સામાન્ય ચૂંટણીમાં મત આપવા માટે યોગ્ય મતદારોની સંખ્યા 97 કરોડ થઈ ગઈ છે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે છને બાદ કરતાં બાકી રાજ્યોમાં મતદારોનું રિવિઝન કરાયું છે. આસામ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાને આ સુધારણામાં અલગ રખાયાં છે. બંધારણ બચાઓ ટ્રસ્ટ તરફથી દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં આ માહિતી મળી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે મતદારયાદીમાંથી ડુપ્લિકેટ નામોની છટણી કરવામાં આવે અને તેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવે. પીઆઇએલ પર સુનાવણી કરી રહેલી સીજેઆઇ ચંદ્રચૂડની બેચે ચૂંટણી પંચ પાસે વિવરણ માગ્યું હતું. ચૂંટણી પંચે એવા લોકોના આંકડા રજૂ કર્યા જેમનું મૃત્યુ થયું હોય કે તેમનું નામ રિપીટ થતું હોય તે કારણે મતદારયાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું હોય. ઘણાં ચરણોમાં માહિતી મેળવ્યા બાદ રિવિઝન થાય છે.
1.83 કરોડ પહેલી વાર મતદાન કરશે
વકીલ અમિત શર્માએ કોર્ટમાં ચૂંટણી પંચનું સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં જણાવાયું છે કે પહેલી જાન્યુઆરી 2024 સુધી કુલ 2,68,86,109 નવા મતદાર ઉમેરવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુ, ડુપ્લિકેશન કે લોકોના બીજે ક્યાંક શિફ્ટ થવાના કારણે 1,66,61,413 નામ હટાવી દેવાયાં છે. ચૂંટણી પંચની પેનલ તરફથી જણાવાયું કે અત્યારના સમયે દેશમાં 96,82,54,560 મતદારો યાદીમાં છે. તેમાંથી 1.83 લોકો 18થી 19 વર્ષ એ જ ગ્રૂપના છે, જેઓ પહેલી વાર મતદાન કરશે.


