- 10 રહેણાંક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળતા સ્થાનિકોમાં ફફડાટ
- રોગચાળાને કાબુમાં લેવા આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમ મેદાનમાં
- રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈનમાં ગટરના પાણી ભળી જતા રોગચાળાએ માથું ઊંચક્યું
ધોળકા નગરના મેનાબેન ટાવર ચાર રસ્તાથી ગધેમાર જકાતનાકા સુધીના રોડના કામ દરમિયાન પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતાં ચૂઈફ્ળી, ખલ્લકપુરા, ગધેમાર, છેલ્લા સિગ્નલ, આશિયાના સોસાયટી, બિસ્મિલ્લા સોસાયટી, ફૈઝ પાર્ક, મોઈન પાર્ક, શુકુન પાર્ક, ખાનના પરા વિસ્તારોમાં ઝાડા – ઉલ્ટી(કોલેરા)નો રોગચાળો ફટી નીકળ્યો છે. અત્યાર સુધીમાં 123 લોકો કોલેરાનો શિકાર બન્યા છે. દૂષિત પાણી પીવાના કારણે ઝાડા-ઉલટીનો શિકાર બનેલા મોટા ભાગના દર્દીઓએ પાર્શ્વનાથ હોસ્પિટલ અને અમુક ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી. આ રોગચાળાના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. ધોળકા નગરપાલિકાના પાણી ખાતાના ટીમ આ દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા જહેમત ઉઠાવી રહી છે. હાલ ટેન્કર દ્વારા તમામ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ ચાલુ છે. દરમિયાન વોર્ડ નંબર – 6 નાં મ્યુ. કાઉન્સિલરએ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ અસરગ્રસ્તોના ખબર અંતર પૂછયા હતા અને આ દૂષિત પાણીનો પ્રશ્ન યુધ્ધના ધોરણે હલ કરવા માંગણી કરી હતી. ધોળકા તાલુકા હેલ્થ સુપરવાઈઝરે જણાવ્યું હતું કે તા. 2/02/2024, શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધોળકા તરફ્થી રોગચાળાના કેસોની માહિતી મળતા સાંજે પાંચ કલાકે આરોગ્યની ટીમો દ્વારા ઘેર ઘેર સર્વે કરીને સારવાર આપી લોકોને ઉકાળેલું પાણી પીવા માટે તેમજ વિતરણ કરેલ ક્લોરિન ટેબલેટ યુક્ત પાણી પીવાની સલાહ આપી હતી. અત્યાર સુધીમાં નગરના ચૂઇફ્ળી, ખલ્લકપુરા, ગધેમાર, છેલ્લા સિગ્નલ, આશિયાના સોસાયટી, બિસ્મિલ્લા સોસાયટી, ફૈઝ પાર્ક, શુકુન પાર્ક, મોઈન પાર્ક, ખાનના પરામાં કુલ 123 ઝાડા-ઉલટીના કેસ મળી આવ્યા છે. તમામ વિસ્તારમાંથી પાણીના અને દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સેમ્પલની તપાસમાં કોલેરા જાહેર થયેલ છે. જેના પગલે જિલ્લા તેમજ તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા 30 પેરા મેડિકલ સ્ટાફ્ અને પાંચ મેડિકલ ઓફ્સિરની 10 ટીમ રોજે રોજ ઘેર ઘેર સર્વે કરીને ઝાડાના દર્દીઓને સારવાર અને સલાહ આપી રહી છે. નગરપાલિકાને પણ રોગચાળા અંગે લેખિતમાં જાણ કરેલ છે. આ ઉપરાંત જાહેર સ્થળોએથી ઘન કચરાનો નિકાલ, તૂટેલી ગટરો, પીવાના પાણીના પાઇપલાઇનના લીકેજ તાત્કાલિક રીપેર થાય અને ટેન્કર દ્વારા પાણી અપાય, ક્લોરીનેશન યુક્ત પાણી અપાય તે અંગે તકેદારી રાખવા પણ તાકદી કરાઈ છે.


