રાજકોટ રેલવે ડિવિઝનમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી
DRM ગિરિરાજ કુમાર મીનાના હસ્તે ધ્વજવંદન; ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૪૦ રેલકર્મીઓનું મેરિટ સર્ટિફિકેટ આપી સન્માન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. રાજકોટ સ્થિત ડીઆરએમ કાર્યાલય પરિસરમાં યોજાયેલા સમારોહમાં ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી સલામી આપી હતી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે તેમણે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડેનો સંદેશ પાઠવ્યો હતો.
સિંનિયર ડીસીએમ સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, રેલ કર્મચારીઓએ દેશભક્તિ ગીતો અને સમૂહ નૃત્ય રજૂ કર્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા વિવિધ વિભાગોના ૪૦ કર્મચારીઓને DRM ગિરિરાજ કુમાર મીનાના હસ્તે મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) રાજકોટના અધ્યક્ષ મુકેશી મીના, ઉપાધ્યક્ષ રશ્મિ સિંહ અને સચિવ એકતા જૈનની હાજરીમાં રેલવે હોસ્પિટલના દર્દીઓને ફળોના પેકેટ તથા હોસ્પિટલ સ્ટાફને ડિનર સેટ અને સર્વિંગ પ્લેટ્સ અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે એડીઆરએમ બ્રિજેશ કુમાર સિંહ, વરિષ્ઠ ડિવિઝનલ કાર્મિક અધિકારી અમૃત સોલંકી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ટ્રેડ યુનિયનના હોદ્દેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વરિષ્ઠ ડિવિઝનલ સામગ્રી પ્રબંધક આશા રજનીએ આભારવિધિ કરી હતી.


