- હજયાત્રાએ જતા હજયાત્રીઓને પણ રસી માટે સિવિલ હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ બનાવાઈ
- વહેલી સવારથી જ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી
- બાળકોને ખાંસી, શરદી, તાવ સાથે શ્વાન કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો
પાટણ શહેરની મધ્યમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ ઈન્ફેકશન તેમજ બાળકોને ખાંસી, શરદી, તાવ સાથે શ્વાન કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને સવારથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો હજયાત્રાએ જનાર હજયાત્રીઓને પણ પાટણ સિવિલ હોસ્પિટલમાં રસી આપવામાં આવતી હોવાથી સવારથી હજયાત્રીઓ પણ મોટીસંખ્યામાં રસી લેવા માટે સિવિલ હોસ્પિટલ આવતાં હોય છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ જણાવ્યું હતું કે, હાલમાં વાયરલ ઈન્ફેકશનના તેમજ નાના બાળકોને શરદી, ઉઘરસ, તાવ અને કૂતરા કરડવાના કેસો વધુ જોવા મળી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓ માટે પૂરતી દવાઓ સહિત પૂરતો સ્ટાફ પણ હોવાથી તમામ દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી રહેતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ શહેરના મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાને અહીં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત તેમના પરિવારજનોએ પણ સરાહનીય લેખાવી હતી.


