- 2 વર્ષમાં શાકભાજીના ફળની યોગ્ય જાળવણી માટે સરકારે વિવિધ સહાય ચૂકવી
- કાચા મંડપમાં રૂ.26, અર્ધ પાકા મંડપમાં રૂ.40
- પાકા મંડપમાં રૂ.80 હજારની પ્રતિ હેકટર સહાય ચૂકવાઈ
શાકભાજી પાકોમાં વાવેતર માટેની સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજયમાં શાકભાજી પાકોનું વાવેતર મોટા ભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલા ફેલાવા દઈ કરવામાં આવતું હતું. ખેતીમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના ફળ મળતા ન હતા. વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અને બગડી જતા હતા.મહેસાણા જિલ્લામાં રાજય સરકારે બે વર્ષમાં શાકભાજી પાકોના વાવેતરમાં ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ 793 લાભાર્થીઓને રૂ.1.76 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.
શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ માટેની સહાયના ધોરણ અંગે ગૃહમાં પુછાયેલા પૂરક પ્રશ્નની વિસ્તૃત માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રેલીઝ મંડપ કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે. ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ સામાન્ય ખેડૂતને 50 ટકા મુજબ કાચા મંડપમાં મહત્તમ રૂ.26 હજાર પ્રતિ હેકટર, અર્ધ પાકા મંડપમાં રૂ.40 હજાર પ્રતિ હેકટર અને પાકા મંડપમાં રૂ.80 હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિ અને મહિલા ખેડૂતોને સહાય ચુકવવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત 28 અનુસુચિત જાતિના ખેડૂતોને રૂ.9.30 લાખ સહાય ચુકવવામાં આવી છે. તેમજ 60 મહિલા ખેડૂતોને રૂ.12.87 લાખની સહાય ચુકવાઈ છે.


