ધ્રુવ કુમાર દવે
અગ્ર ગુજરાત,સિધ્ધપુર
પોતાની જરૂરીયાતો પુરી કરવા સાચા રસ્તે નાણાં કમાવા અથવા પરીવારજનો પાસેથી મેળવવાના બદલે લૂંટ અને ચોરીના માર્ગે શોર્ટકટ અપનાવી નવા નવા નુસ્ખા અપનાવી ચોરીઓ કરાય છે ત્યારે આજે સિધ્ધપુરના હાર્દ સમા ત્રણકબર વિસ્તારમાં આવેલ સુવાગણના મહોલ્લામાં રહેતા દાઊદી વ્હોરા સમાજના એક સંપન્ન વૃધ્ધાને વ્હોરા સમાજની મહીલાઓ પહેરે છે તેવા કપડાઓ પહેરીને આવેલી ત્રણ યુવતીઓએ વૃધ્ધાને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તસ્વીરો અને બનેલી ઘટના મુજબ સ્કૂલ કૉલેજમાં ભણતી હોય તે ઉંમરની અને મોઢે માસ્ક લગીવીને આવેલી લગભગ ૧૭-૧૮ વર્ષ ઉંમરની ત્રણ છોકરીઓએ આ મહીલાના ઘરનો દરવાજો ખખડાવ્યો અને પોતે સમાજની સંસ્થા તરફથી માહીતી એકઠી કરવા આવી હોવાનું જણાવી પાણી માંગ્યુ જે લેવા ગયેલા વૃધ્ધાને બેભાન થાય તેવું સ્પ્રે છાંટીને નીચે પાડી દીધા હતા પરંતુ વૃધ્ધાએ જોરજોરથી બૂમો પાડતા પકડાઈ જવાના ભયથી ગભરાયેલી યુવતીઓ બહારથી દરવાજો બંધ કરીને ભાગી ગઈ હતી અને લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જે ટૉક ઓફ ધી ટાઉન બન્યો છે. કદાચ આ યુવતીઓએ એકલી રહેતી વૃધ્ધાના ઘરની અગાફ રેકી કરી હશે અને તે મુજબ લૂંટનો પ્રયાસ કર્યો પરંતુ સંભવત: તેઓનો આ પ્રથમ પ્રયાસ હોઈ ગભરાઈને ભાગી ગઈ હતી. નાગરીકોએ સાવધાન રહેવું.

આ છોકરીઓ કોણ હતી અને કયા ઈરાદે આ પ્રકારની લૂંટની ઘટના કરવા પ્રેરાઈ તે તપાસનો વિષય છે. પરંતુ યુવતીઓ જતી અને આવતી સીસીટીવી માં કેદ થઈ છે. યુવતીઓના પરીવારજનો પણ સાજીશમાં સંડોવાયેલા છે કે તેમના સંતાનોના કૃત્યોથી અજાણ છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
એકલા રહેતા સિનીયર સીટીઝનોને ખાસ વિનંતી કે અજાણ્યા લોકો જણાય પછી તે ભલે તમારા જેવીજ ભાષા બોલે અથવા ગેટએપમાં હોય તો તેમના માટે પૂરી ચોકસાઈ કર્યા વગર ઘરના દરવાજા ખોલશો નહી અન્યથા જાનમાલનું નુકશાન થવાની સંભાવનાને નકારી શકાય નહી.


