- દૃઢ વિચારધારા ધરાવતા નેતાઓની સંખ્યા ઘટી રહી હોવાનો દાવો
- તકવાદી નેતાઓ સત્તાધારી પક્ષ સાથે જોડાઇ રહ્યા હોવાને મુદ્દે પણ જાહેર કરી ચિંતા
- લાલુ યાદવની કરી પ્રશંસા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે સારું કામ કરનારને કદી સન્માન નથી મળતું. તકવાદી નેતાઓ સત્તાધારી પક્ષ સાથે જોડાઇ રહ્યા હોવાને મુદ્દે પણ ચિંતા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે વિચારધારાના સ્તરમાં ગિરાવટ લોકશાહી માટે સારી બાબત નથી. ગડકરીએ કહ્યું કે કેટલાક નેતાઓ એવા પણ છે કે જેઓ પોતાની વિચારધારા પર દૃઢ છે, પરંતુ તેમની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. ગડકરીએ કોઇપણ નામનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે, ‘હું હમેશા મજાકમાં કહું છું કે સરકાર કોઇપણ પક્ષની હોય, પરંતુ એક વાત નક્કી છે કે જે સારું કામ કરે છે તેનું કદી સન્માન નથી થતું અને ખરાબ કામ કરે છે તેને સજા નથી મળતી.’ એક મીડિયા સમૂહ દ્વારા સાંસદોએ કરેલા યોગદાન માટે તેમના સન્માનવા યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું કે, ‘આપણી ચર્ચા અને વાદવિવાદમાં સર્જાતો મતભેદ તે આપણી સમસ્યા નથી, પરંતુ આપણી સમસ્યા વિચારોની કમી છે.’
લાલુ યાદવની કરી પ્રશંસા
ગડકરીએ આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવની બોલવાની કલાની પ્રશંસા કરતાં કહ્યું કે પૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસના વ્યવહાર, સાદગી અને વ્યક્તિત્વમાંથી તેમને ખૂબ શીખવા મળ્યું છે. અટલ બિહારી વાજપેયી પછીના ક્રમે હું જ્યોર્જ ફર્નાન્ડિસથી ખૂબ જ પ્રભાવિત હતો. તેમણે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આવા લોકોએ દેશને લોકશાહી ઢાંચો જાળવી રાખવા મજબૂર કર્યો હતો. પદ પરથી દૂર થયા પછી ઓટોરિક્ષામાં પ્રવાસ કરતા હતા.
હું સત્તામાં ચાલુ રહીશ : આઠવલે
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ કહ્યું કે રાજકારણમાં નેતા પક્ષો બદલતા રહે છે. કયા સાંસદ ક્યારે કયા પક્ષમાં જશે તેનો અંદાજ મુશ્કેલ છે. તેમણે મજાકમાં કહ્યું હતું કે ‘હું સત્તામાં ચાલુ રહીશ. મને ખબર છે કે કયા પક્ષની સરકાર બનશે.’


