- વિધાનસભામાં CM યોગી આદિત્યનાથના વિપક્ષ પર ચાબખા
- વિદેશી હુમલાખોરોએ નાણાં અને સંપત્તિ જ નહોતા લુંટયા, સંસ્કૃતિનો પણ નાશ કર્યો હતો
- સીએમએ કહ્યું હતું કે અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિ રાજધાની બનાવવાનું કામ કરાઈ રહ્યું છે
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં બુધવારે રાજ્યપાલના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સીએમ યોગીએ અયોધ્યા, કાશી અને મથુરા મુદ્દે વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને સપા પર જોરદાર હુમલો કર્યો હતો.સીએમ યોગીએ કહ્યું હતું કે મંદિરનો મુદ્દો તો કોર્ટમાં હતો પરંતુ અયોધ્યા અને કાશીના વિકાસથી ચીડ શા માટે હતી? તેમણે સવાલ કર્યો હતો કે આ સ્થળોએ પહેલાં રસ્તા પહોળા કેમ નહોતા થયા, ત્યાં પહેલાં એરપોર્ટ અને રેલવે સ્ટેશન કેમ ન બની ગયા? સીએમ યોગીએ જ્ઞાનવાપીનું નામ લીધા વિના જ કહ્યું હતું કે અમે તો ત્રણ સ્થાન માગ્યા હતા. અયોધ્યાનો ઉત્સવ જોઈને નંદી બાબાએ રાતોરાત બેરિકેડિંગ તોડાવી નાખ્યું હતું. હવે કૃષ્ણ કનૈયા પણ ક્યાં માનવાના છે. સીએમ યોગીનો ઇશારો ગત સપ્તાહે વારાણસી કોર્ટના આદેશ પર નંદી બાબાની ઠીક સામે જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરાનું બેરિકેડિંગ હટાવીને ત્યાં પૂજા શરૂ કરાવવા તરફ હતો. સીએમ યોગીએ કહ્યું હતું કે વિદેશી આક્રાંતાઓએ દેશમાં માત્ર નાણાં અને સંપત્તિની જ લૂંટ નહોતી ચલાવી. તેમણે અહીંની સંસ્કૃતિનો પણ નાશ કર્યો હતો. પોતાની વોટ બેન્ક માટે વિદેશી આક્રાંતાઓનું ગૌરવગાન કરાયું હતું. દેશ તેનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી.
મંદિર ત્યાંજ બનાવ્યું છે
સીએમ યોગીએ કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. તેની મારફત ભારતના ગૌરવની પુર્નપ્રતિષ્ઠા થઈ છે. અમે અમારું વચન પાળ્યું છે અને મંદિર ત્યાંજ બનાવ્યું છે. અમે માત્ર કહેતા નથી કરીને દેખાડીએ છીએ.
અયોધ્યામાં કરફ્યૂ નહીં
સીએમએ કહ્યું હતું કે અયોધ્યાને વિશ્વની સાંસ્કૃતિ રાજધાની બનાવવાનું કામ કરાઈ રહ્યું છે. હવે ત્યાં કરફ્યૂ નથી લાગતો. હવે તો ત્યાં ભજનની ગુંજ સંભળાય છે.


