- કિવિ ટીમે આપેલા 529 રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા 247માં સમેટાયું
- જેમિસને 58 રનમાં ચાર તથા સાન્તેનરે 59 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી
- રચિન રવીન્દ્રને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો
પેસ બોલર જેમિસન અને સ્પિનર સાન્તેનરે સંયુક્ત રીતે સાત વિકેટ ઝડપતા ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 281 રનથી હરાવીને બે ટેસ્ટની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતા. બીજી ટેસ્ટ 13મી ફેબ્રુઆરીથી રમાશે. સુકાની ટિમ સાઉથીએ ચાર વિકેટે 179 રનના સ્કોરે બીજો દાવ ડિકલેર કરીને પ્રવાસી ટીમને 529 રનનો કપરો લક્ષ્યાંક આપ્યો હતો જેની સામે યુવા ખેલાડીઓ સાથે ટેસ્ટ રમી રહેલી આફ્રિકન ટીમનો બીજો દાવ 247 રનના સ્કોરે સમેટાઈ ગયો હતો. રચિન રવીન્દ્રને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
કપરા ટાર્ગેટને ચેઝ કરનાર આફ્રિકન ટીમે પ્રારંભિક ચાર ઓવરમાં જ ઓપનર નીલ બ્રાન્ડ (3) તથા એડવર્ડ મોરે (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. ઝૂબેર હમઝા (36) તથા રેનાર્ડ વાન ટોન્ડરે (31) 100 મિનિટ કરતાં વધારે સમય સુધી બેટિંગ કરીને આફ્રિકન ટીમને નુકસાન પહોંચાડયા વિના લંચ સુધી પહોંચાડી હતી. ડેવિડ બેડિંગહામે 96 બોલમાં કારકિર્દીની સર્વશ્રોષ્ઠ 87 રનની ઇનિંગ રમીને ટીમના સંઘર્ષને આગળ વધાર્યો હતો. તેણે કીગન પીટરસન (16) સાથે પાંચમી વિકેટ માટે 105 રનની ભાગીદારી નોંધાવી હતી. પિચ ઉપર બંનેની હાજરીને જોતાં મેચ પાંચમા દિવસ સુધી ખેંચાશે તેમ લાગતું હતું પરંતુ જેમિસને બેડિંગહામને આઉટ કરીને મેચ ધીમે ધીમે ન્યૂઝીલેન્ડની તરફેણમાં કરી લીધી હતી. જેમિસને 58 રનમાં ચાર તથા સાન્તેનરે 59 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી.


