- અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત્
- શિકાગોમાં એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો
- સમીર કામથ નામનો 23 વર્ષીય વિદ્યાર્થી મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયાના રાજ્યના પડયૂ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે બીજી એક ઘટનામાં ભારતીય વિદ્યાર્થી પર શિકાગોમાં જીવલેણ હુમલો થયો હતો. આવી એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જેથી અહીં રહેતા ભારતીયોમાં ભયનો માહોલ છવાયો છે.
યુનિવર્સિટીની સ્વતંત્ર સમાચાર એજન્સી ધ પરડ્યુ એક્સપોનન્ટના જણાવ્યા અનુસાર 23 વર્ષીય સમીર કામથ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડોક્ટરલ ઉમેદવાર હતા. વોરેન કાઉન્ટીમાં સોમવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા, એકહાર્ડ ગ્રોલે મંગળવારે સમીરના મૃત્યુની પુષ્ટિ કરી હતી. એજન્સીએ જણાવ્યું કે સમીરનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. સમીરે મેસેચ્યુસેટ્સ એમહર્સ્ટ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે પછી 2021 ના ઉનાળામાં તે પરડ્યુ આવ્યો હતો. તે 2025માં ડોક્ટરલ પ્રોગ્રામમાં જોડાવાનો હતો.
શિકાગોમાં ભારતીય IT વિદ્યાર્થી પર હુમલો થયો
અન્ય એક ઘટનામાં, રવિવારે રાત્રે શિકાગોના ડાઉનટાઉનમાં ભારતીય આઇટી વિદ્યાર્થી સૈયદ મઝહિર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના તેમના ઘર પાસે બની હતી. અજાણ્યા લોકોએ તેમનો પીછો કરીને તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અલી લોહીથી લથપથ જોવા મળે છે. અલી લગભગ છ મહિના પહેલા હૈદરાબાદથી અમેરિકા આવ્યો હતો. તેણે એક ખાનગી સમાચાર ચેનલને જણાવ્યું કે હુમલાખોરોમાંથી એકે તેના પર બંદૂક તાકી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અલી રાત્રે પોતાના ઘરે એક પેકેટ હાથમાં લઈને જઈ રહ્યો છે. ત્યારે ત્રણ લોકો તેમનો પીછો કરે છે. આ પછી તેઓ અલી પર હુમલો કરે છે. અલીએ કહ્યું કે તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર કરવામાં આવી. તેણે કહ્યું કે, અમેરિકા મારો ડ્રીમ કન્ટ્રી છે અને હું અહીં મારા સપના પૂરા કરવા આવ્યો છું. આ ઘટનાએ મને ડરાવ્યો છે.
અહેવાલો અનુસાર, પોલીસે હજુ સુધી કોઈ શંકાસ્પદની અટકાયત કરી નથી. બાબતે તપાસ ચાલુ છે. તે જ સમયે, ભારતીય કોન્સ્યુલેટ જનરલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. કોન્સ્યુલેટ જનરલે ટવિટર પર લખ્યું છે કે તે અલી અને તેની પત્ની સૈયદા રૂકિયા ફાતિમા રિઝવીના સંપર્કમાં છે અને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. કોન્સ્યુલેટ જનરલે સ્થાનિક અધિકારીઓનો પણ સંપર્ક કર્યો છે. અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. અલીની પત્ની રુકિયાએ વિદેશ મંત્રી એસ જયશંકરનો પણ સંપર્ક કર્યો છે અને તેના ત્રણ સગીર બાળકો સાથે અમેરિકા જવા માટે મદદ માટે વિનંતી કરી છે.


