- દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેને જસપ્રિત બુમરાહના કર્યા વખાણ
- એબી ડી વિલિયર્સે કહ્યું-બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી
- જસપ્રિત બુમરાહે બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં તેણે પોતાના સાથી બોલરોને ખૂબ પાછળ છોડી દીધા હતા. આ મેચ જીતીને ભારતે 5 મેચોની સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે.
ડી વિલિયર્સે આ ભારતીય બોલરને ખતરનાક કહ્યો
બીજી ટેસ્ટ મેચમાં પોતાના સારા પ્રદર્શનના આધારે બુમરાહ બોલરોની ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો પ્રથમ ઝડપી બોલર છે. એબી ડી વિલિયર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, ‘બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. જસપ્રીત બુમરાહ કેટલો શાનદાર બોલર છે. તેણે તેના સાથી ભારતીય બોલરોને ખૂબ પાછળ છોડી દીધા પરંતુ અન્ય બોલરોએ પણ સારું યોગદાન આપ્યું અને તે સાથે મળીને શિકાર કરવા જેવું હતું.
બેટ્સમેનો પાસે કોઈ જવાબ નથી
એબી ડી વિલિયર્સે કહ્યું હતું કે, ‘અન્ય ભારતીય બોલરોનું બોલિંગ વિશ્લેષણ ભલે સારું ન લાગ્યું હોય,પરંતુ તેણે સ્ટેજ સેટ કરીને પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી હતી. આ કોઈ વ્યક્તિગત રમત નથી અને ભારતીય આક્રમણ વિશે મને તે જ ગમે છે. જસપ્રિત બુમરાહે બીજી ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહના યોર્કરનો બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. એબી ડી વિલિયર્સે કહ્યું હતું કે, ‘તે (યોર્કર) ત્રણેય ફોર્મેટમાં તેનું (બુમરાહ) મુખ્ય હથિયાર છે. જ્યારે પણ હું તેની સામે રમ્યો ત્યારે મેં હંમેશા યોર્કર વિશે વિચાર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેણે યોર્કર વડે ઘણી વિકેટો લીધી છે.


