- બાઇક પર હેલમેટ પહેરીને બે શખસો આવ્યા હતા
- 40 હજારની કિંમતનો 7 ગ્રામનો દોરો ઝુંટવી શખસો ફરાર
- પોલીસે આ મામલે અજાણ્યા બે શખસો સામે ગુનો દાખલ કર્યો છે
ગાંધીનગર સેક્ટર-27માં રહેતા મહિલા રાત્રે ચાલવા માટે નિકળ્યા હતા ત્યારે ખ-6 સર્કલ પાસે બાઇક પર આવેલા બે શખસોએ મહિલાના ગળામાંથી સોનાનો દોરાની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. ચીલઝડપ કરનાર બાઇક ચાલકે હેલમેટ પહેર્યુ હતું. પોલીસે આ મામલે અજાણ્યા બે શખસો સામે ગુનો દાખલ કર્યો છે.સેક્ટર-27 એકતા કોલોનીમાં રહેતા કિંજલબેન ભાવિનભાઇ પટેલ ગઇકાલે રાત્રે પોતાના પડોશી બહેન સાથે રાત્રે ચાલવા માટે નિકળ્યા હતા. તેઓ ખ-6 સર્કલથી સાંઇબાબા મંદિરે ગયા હતા. જ્યાંથી પગપાળા પરત ફરી રહ્યા હતા ત્યારે ખ-6 સર્કલ પાસે એક બ્લેક કલરનું બાઇક કિંજલબેનની એકદમ નજીક આવ્યુ હતું. તેઓ કાંઇ સમજે તે પુર્વે બાઇક પર સવાર શખસે તેમના ગળામાં પહેરેલો 40 હજારની કિંમતનો સાત ગ્રામનો સોનાનો ચેઇનની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા. બાઇક પર બે શખસો હોવાનું જણાયુ હતું. જે પૈકી ચાલકે હેલમેટ પહેર્યુ હતું. આ શખસો ખ-6 સર્કલ તરફ ભાગ્યા હતા. કિંજલબેને બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ મામલે તેઓએ અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


