- બ્રેઇન ચિપ ટેક્નોલોજી ‘ન્યૂરાલિન્ક’ મુદ્દે ભારોભાર પ્રશંસા કરી
- એક સમયે ગન પાવડરનો ઉપયોગ અસંભવ લાગતો હતો.
- આજે એઆઈનો ઉપયોગ અસંભવ લાગે છે
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકી પત્રકાર ટકર કાર્લસનને આપેલી મુલાકાતમાં ટેક મુઘલ એલન મસ્કની ભારોભાર પ્રશંસા કરી છે. ફોક્સ ન્યૂઝના પૂર્વ એન્કરને બે કલાક સુધી મુલાકાત આપતાં પુતિને યૂક્રેન યુદ્ધથી માંડીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને મુદ્દે ખુલ્લા મને વાત કરી હતી. પરંતુ પત્રકાર ટકર કાર્લસને જ્યારે પુતિનને એલન મસ્કની નવી બ્રેઇન ટેક્નોલોજી ન્યૂરાલિંક વિશ પૂછયું ત્યારે રશિયાના પ્રમુખે આપેલા જવાબે બધાનું ધ્યાન ખેચ્યું હતું.
કાર્લસને રશિયન નેતાને એઆઈ એમ્પાયરના આરંભ વિશે પ્રશ્ન કરતાં આરંભે તો પુતિને પહેલાં તો એઆઈને કારણે ઊભા થનારા પડકાર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જેનેટિક સંશોધનને કારણે હવે સુપર હ્યુમન, જેનેટિકલી એન્જિનિયર્ડ એથ્લેટ , વિજ્ઞાની કે સૈનિક તૈયાર કરવાની શક્યતા ખૂલી છે. તેમણે કહ્યું કે માનવજીવન માટે આ તમામ બાબતો ખતરારૂપ છે. કાર્લસનના એક પ્રશ્નના ઉત્તરમાં પુતિને એમ પણ કહ્યું હતું કે એલન મસ્કે તો અમેરિકામાં એક માનવીના મસ્તિષ્કમાં તે ચિપ ઇમ્પ્લાન્ટ પણ કરી દીધી છે. પત્રકારે તેમને સીધો પ્રશ્ન કર્યો હતો કે એલન મસ્કને મળેલી આ સિદ્ધિ અંગે શું કહેવા માંગો છો? તે પ્રશ્નના જવાબમાં પુતિને મસ્કની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે,’એલન મસ્ક આટલેથી અટકવાના નથી. તેમને યોગ્ય લાગશે તેમ તેઓ આગળ વધતા જ રહેશે.’
રશિયન નેતાએ એલ મસ્કને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે,’મને લાગે છે કે એલન મસ્ક સ્માર્ટ વ્યક્તિ છે. તેથી તેમની પ્રક્રિયા અને સંશોધનોને ઔપરિક રીતે નિયમોના ઢાંચામાં લાવવા માટે તેની સાથે એક કરાર કરવાની જરૂર છે.’
પુતિને કહ્યું હતું કે એક સમયે જેમ ગન પાવડરનો ઉપયોગ અસંભવ લાગતો હતો એ જ રીતે આજે એઆઈનો ઉપયોગ અસંભવ લાગે છે.


