- રાત્રે અજાણી વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી
- પોલીસે લોકો પાસે મદદ માગી
- આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલી છે
અમેરિકામાં ભારતીય લોકો પરના હુમલા અટકતા નથી. તાજેતરમાં જ ભારતના ઘણા વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા છે. હવે સમાચાર આવ્યા છે કે વોશિંગ્ટન ડીસીમાં એક રેસ્ટોરન્ટની બહાર ભારતીય મૂળના એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. અજ્ઞાત વ્યક્તિ સાથે બોલાચાલી થયા બાદ ભારતીય મૂળના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલી છે.
ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓ અનુસાર, આ બનાવ બીજી ફેબ્રુઆરીએ 15મી સ્ટ્રીટ નોર્શવેસ્ટના 1100 બ્લોક પર રાત્રે લગભગ બે વાગ્યે બની હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમને 41 વર્ષીય વિવેક તનેજા ફૂટપાથ પર મળી આવ્યા હતા. તેમને જીવલેણ ઈજાઓ થઈ હતી. વિવેકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. વોશિંગ્ટન ડીસીના એક ટીવી સ્ટેશન અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે તનેજા અને એક વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ અજ્ઞાત વ્યક્તિએ તનેજાને જમીન પર પછાડયા હતા. આથી તનેજાનું માથું ફૂટપાથ પર ભટકાયું હતું. તનેજાનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસ તનેજાના મૃત્યુને હત્યા માનીને તપાસ કરી રહી છે. તનેજા ડાયનેમો ટેક્નોલોજીના સહસંસ્થાપક અને અધ્યક્ષ હતા. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે હત્યામાં સામેલ સંદિગ્ધની ઓળખ અને જાણકારી માટે લોકોની મદદ માગી છે અને મદદ કરનાર માટે ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં શિકાગોમાં લુંટારાઓએ ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝાહિર અલી પર હુમલો કર્યો હતો. તેની પહેલાં જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં નશાની ટેવ વાળા બેઘર વ્યક્તિએ ભારતીય વિદ્યાર્થી વિવેક સૈની પર જીવલેણ હુમલો કર્યો હતો. ચાલુ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના અન્ય ચાર વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે.


