- પેસેન્જરોએ ટ્વિટરના મારફતે ધ્યાન દોર્યા બાદ તંત્ર દોડતું થયું
- એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં છેલ્લાં કેટલાક સમયમાં વધારો કરવામાં આવ્યો
- સર્વર બંધ થવાની સમસ્યા સર્જાતા પેસેન્જરોને ભારે હાલાકી
અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરની સમસ્યા સર્જાતા ઇમિગ્રેશન કાઉન્ટરો પર પેસેન્જરોની લાંબી લાઇનો જોવા મળી હતી. એક કલાકથી વધુનો સમય ઊભા રહેતાં પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હાલાકી ભોગવનાર કેટલાક પેસેન્જરોએ ટ્વિટર મારફતે અમદાવાદ એરપોર્ટ પર સર્વરથી પડી રહેલી હાલાકીની ફરિયાદ કરી હતી.
રાજ્યના સૌથી વ્યસ્ત મનાતા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લાં ઘણા વર્ષોથી અનેક સુધારા વધારા કરીને પેસેન્જરોને સુવિધા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં છેલ્લાં કેટલાક સમયમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ બે દિવસથી રાત્રિના સમયે સર્વર બંધ થવાની સમસ્યા સર્જાતા ભારે હાલાકીનો સામનો પેસેન્જરોને પડી રહ્યો છે.
ઇમિગ્રેશનમાં પડતી હાલાકીને પગલે ફ્લાઇટોને સમયસર ટેકઓફ કરવામાં પણ હાલાકી પડી હોવાનું જાણવા મળ્યુ છે.
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને પગલે ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયાં
ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ફ્લાઇટોના શિડયૂલ ફરી એકવાર ખોરવાયા છે. દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા અમદાવાદથી 8થી વધુ ફ્લાઇટોને સાડા ત્રણ કલાક સુધીનો વિલંબ પડયો હતો. આ સિવાય ઇન્ટરનેશનલ સહિતની અન્ય 10થી વધુ ફ્લાઇટોના શિડયૂલ પણ ડિલે થતાં પેસેન્જરોને ટર્મિનલ પર બેસી રહેવાની ફરજ પડી હતી.


