- ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ખેડૂત પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો અનિર્ણીત
- દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરીને રસ્તા બંધ કરી દીધા છે
- દિલ્હીમાં 12 માર્ચ સુધી કલમ 144 લાગુ કરાઇ : ખેડૂતોને પ્રવેશવા નહીં દેવાય
દિલ્હી અને હરિયાણામાં ખેડૂતો પાકોની એમએસપીની ગેરંટી માટે કાયદો ઘડવા સહિતની વિવિધ માગણીઓ મુદ્દે ફરી અવાજ ઉઠાવી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ આજે 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ કૂચના કરેલા એલાનને પગલે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં એલર્ટ જાહેર કરાયું છે. હરિયાણા-પંજાબ બોર્ડર અને દિલ્હીની સરહદો પર પણ સતર્કતા વધારી દેવાઇ છે. બીજી તરફ સોમવારે ચંડીગઢમાં કેન્દ્રીય મંત્રીઓ પીયૂષ ગોયલ, નિત્યાનંદ રાય અને અર્જુન મુંડાએ ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. હરિયાણાના ગૃહમંત્રી અનીલ વિજે કહ્યું કે ત્રણ કેન્દ્રીય મંત્રીઓએ ચંડીગઢમાં ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરી. ફરી વાટાઘાટો ટૂંક સમયમાં થશે. મડાગાંઠ જલદી ઉકેલાઇ જવાની અમને આશા છે. હરિયાણાની જનતાના રક્ષણ માટે તથા રાજ્યમાં શાંતિ-એખલાસ જળવાઇ રહે તે માટે અમે જે કંઇ જરૂરી હશે તે બધું જ કરીશું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ 8 ફેબ્રુઆરીએ પણ ખેડૂત સંગઠનો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે બેઠક થઇ હતી, જેમાં ખેડૂત સંગઠનોની કેટલીક માગણીઓ સ્વીકારાઇ હતી પણ એમએસપી મુદ્દે કાયદો ઘડવા સહિત કેટલીક માગણીઓ પર સહમતી નહોતી સધાઇ. 26 ખેડૂત સંગઠનોએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું પણ આહવાન કર્યું છે. દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં 12 માર્ચ સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. ટ્રેક્ટરોના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે.
પંજાબ બોર્ડર પર હરિયાણા પોલીસની ત્રણ સ્તરની સુરક્ષા
ખેડૂત સંગઠનોના આજે ‘દિલ્હી ચલો’ કૂચના એલાનને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે પંજાબ બોર્ડર પર ત્રણ સ્તરની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરી છે. સૌથી આગળ બીએસએફના જવાનો હશે. તેમની પાછળ રેપિડ એક્શન ફોર્સમાં અને ત્રીજા લેયરમાં હરિયાણા પોલીસના સશસ્ત્ર જવાનો હશે.
દિલ્હીમાં પોલીસકર્મીઓની રજાઓ રદઃ
ખેડૂતોના 2020 જેવા આંદોલનની ભીતિને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. દિલ્હીમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરવા ઉપરાંત તમામ પોલીસ અધિકારીઓ, કર્મીઓની રજાઓ રદ કરી દેવાઇ છે અને રજા પર છે તેમને તત્કાળ પાછા બોલાવાયા છે. ખેડૂતોએ એલાન કર્યું છે કે તેઓ જંતર-મંતર અને સંસદ ભવન બહાર દેખાવો કરશે જ્યારે દિલ્હી પોલીસનું કહેવું છે કે હંગામો કરનારા ખેડૂતોની તત્કાળ ધરપકડ કરાશે. દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નહીં અપાય.


