- કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ જવાનો મુક્ત, 7 સ્વદેશ પાછા ફર્યા
- કતારથી મુક્ત થઈને આવેલા 7 પૂર્વ સૈનિકોએ ભારત સરકારનો આભાર માન્યો
- કતારના અમીર તમીમ બિન હમદ અલ થાનીનો પણ આભાર માન્યો હતો
ભારતે સોમવારે જાહેરાત કરી હતી કે કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા ભારતીય નૌકાદળના 8 પૂર્વ સૈનિકાને મુક્ત કરી દીધા છે. તે પૈકી 7 નાગરિક ભારત પાછા ફર્યા છે. વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન આપીને આ બાબતની જાણકારી આપી હતી. જે 7 પૂર્વ નૌસૈનિકો પાછા ફર્યા છે તેમાં સૌરભ વશિષ્ઠ, પૂર્ણેન્દુ તિવારી, વીરેન્દ્ર કુમાર, સુગુનાકર પકાલા, સંજીવ ગુપ્તા, અમિત નાગપાલ અને રાજેશનો સમાવેશ થાય છે. તેઓ કતારની ખાનગી કંપની દાહરા ગ્લોબલ કંપનીમાં કામ કરતા હતા. તેમણે કતારના અમીર તમીમ બિન હમદ અલ થાનીનો પણ આભાર માન્યો હતો.
નૌકાદળના એક અન્ય પૂર્વ સૈનિકે કહ્યું કે,’વડાપ્રધાન મોદીએ કરેલા હસ્તક્ષેપ વિના આજે અહીં ઊભા ના હોત. ભારત સરકારના નિયમિત પ્રયાસોને કારણે આ સંભવ બન્યું છે.’
ભારત પાછા ફરેલા અન્ય એક નાગરિકે જણાવ્યું હતું કે,’ભારત પાછા ફરીને ખૂબ ખુશ છીએ. વડાપ્રધાન મોદીનો તે બદલ આભાર માનીએ છીએ. તેમણે અમને ભારત પાછા લાવવા તમામ પ્રયાસો કર્યા છે.’
સોશિયલ મીડિયા પર મોદીની વાહવાહ
કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા નૌકાદળના પૂર્વ સૈનિકો ભારત પાછા ફરતા સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા. યૂઝર્સ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ એક્સ પર કહ્યું કે, ‘મોદી સરકાર આશ્વાસન આપ્યું હતું કે તમામ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવશે. હમેશા વડાપ્રધાન મોદીની ગેરંટી જાદુ જેવું કામ કરે છે. તમામ 8 પૂર્વ સૈનિકો મુક્ત થઈ ચૂક્યા છે. 7 સ્વદેશ પાછા ફર્યા છે. મોદી હૈ તો મુમકીન હૈ.’ એક યૂઝરે લખ્યું હતું કે,’8 ભારતીયોનો જીવ બચાવીને વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાં તેમની ઘરવાપસી કરાવવા બદલ મોદી સરકારની હું પ્રશંસા કરું છું.’


