- CBSE બોર્ડે પરીક્ષાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી
- ધોરણ-10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13મી માર્ચ-2024 સુધી યોજાશે
- ધોરણ-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ-2024 સુધી યોજાશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ ગુરૂવાર તારીખ 15 ફેબ્રુઆરી-2024થી શરૂ થઈ રહી છે, જેને ધ્યાને રાખીને બોર્ડે પરીક્ષાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં પરીક્ષામાં પ્રવેશ માટે CBSE હૉલ ટિકિટ ફરજીયાત કરાઈ છે. પ્રવેશ કાર્ડમાં ઉમેદવારનું નામ, નોંધણી સંખ્યા, પરીક્ષા કાર્યક્રમ, પરીક્ષા કેન્દ્રની વિગત અને નિર્દેશ જેવી વિગતો સામેલ હશે.
ધોરણ-10 અને 12ની પરીક્ષાનો સમય
ધોરણ-10 અને 12ની પરીક્ષા સવારે 10.30થી બપોરે 1.30 કલાક યોજાશે. જોકે કેટલાક પરીક્ષાઓ સવારે 10.30થી બપોરે 12.30 વચ્ચે યોજાશે. બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13મી માર્ચ-2024 સુધી, જ્યારે ધોરણ-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ-2024 સુધી યોજાશે.
CBSEએ પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને પણ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં બોર્ડે જણાવ્યું હતું કે, 15 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ વખતે દેશ-વિદેશના 26 દેશોમાંથી 39 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરિપત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓએ સવારે 10 વાગ્યે અથવા તે પહેલાં તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું જોઈએ, કારણ કે પરીક્ષા સવારે 10.30 વાગ્યે શરૂ થાય છે.
આ સિવાય દિલ્હીમાં હાલની પરિસ્થિતિને કારણે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને બોર્ડે વિદ્યાર્થીઓને વહેલી સવારે ઘરેથી નીકળી જવાની સલાહ આપી છે જેથી તેઓ તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે.


