- સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે
- જિલ્લાની 5 વિધાનસભાના 20 માસ્ટર ટેનર્સને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ તાલીમ આપી
- બીજી તરફ જિલ્લા ચૂંટણી વિભાગ પણ તેની તૈયારીઓમાં લાગી ગયુ
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણી વિભાગે તા. 14મી ફેબ્રુઆરીના રોજ વિવિધ વિધાનસભામાં કર્મયોગીઓને તાલીમ આપનાર એસી લેવલ માસ્ટર્સ ટ્રેનર્સની તાલીમનું આયોજન કર્યુ હતુ. જિલ્લાની 5 વિધાનસભાના 20 માસ્ટર ટેનર્સને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીએ તાલીમ આપી હતી.
આગામી એપ્રીલ-મે માસમાં લોકસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી વિભાગ પણ તેની તૈયારીઓમાં લાગી ગયુ છે. થોડા સમય પહેલા જ લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપીએટનું ફર્સ્ટ લેવલ ચેકીંગ, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હવે તાલીમનો ધમધમાટ ચાલી રહ્યો છે. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા સહિતનાઓ દ્વારા જિલ્લાની 5 વિધાનસભાના માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવાનું આયોજન તા. 14મીને બુધવારે મહિલા આઈટીઆઈ ખાતે કરાયુ હતુ. જેમાં ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યે 5 વિધાનસભા વાઈઝ 20 માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપી હતી. આ માસ્ટર ટ્રેનર્સ તાલીમ લીધા બાદ આગામી દિવસોમાં પોતાની વિધાનસભામાં ચૂંટણી સમયે ફરજ બજાવનાર પોલીંગ ઓફીસર, પ્રીસાઈડીંગ ઓફીસર, સેકટર ઓફીસર, માઈક્રો ઓબ્ઝર્વર, એકસપેન્ડેચર ઓબ્ઝર્વર ટીમને તાલીમ આપશે. આ તાલીમ બુધવારે સવારના 10થી સાંજના 5 સુધી ચાલી હતી. જેમાં સ્લાઈડ શો થકી માસ્ટર ટ્રેનર્સને તાલીમ અપાઈ હતી. આ પ્રસંગે નાયબ મામલતદાર સલીમભાઈ જીવાણી, કરશનભાઈ ધીયડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


