- બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપો રાજીવ મોદીએ નકાર્યા
- અત્યાર સુધીમાં ફરિયાદી મને એક જ વખત મળ્યા : રાજીવ મોદી
- તપાસને લઈ કોઈ પુરાવા ન મળતા રાજીવ મોદીની ધરપકડ નહીં
કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદનો કેસમાં આજે પાંચ કલાક સુધી તેની પૂછપરછ ચાલી હતી. જ્યારે પોલીસ દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમને બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપો નકાર્યા છે. સાથે જ તપાસને લઈ કોઈ પુરાવા ન મળતા રાજીવ મોદીની ધરપકડ નહીં કરવામાં આવે.
બલ્ગેરિયન યુવતીના કેસમાં રાજીવ મોદીને 2 નોટિસ આપ્યા બાદ હાજર થયા હતા. આ દરમિયાન રાજીવ મોદીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ફરિયાદી મને એક જ વખત મળ્યા છે. તેમજ મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા આક્ષેપ કર્યા છે. આ પછી પોલીસ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે, તપાસમાં જરૂર લાગશે તો પોલીસ રાજીવ મોદીને ફરી બોલાવશે. તેમજ રાજીવ મોદી વિરુદ્ધ પુરાવા નહિ મળે તો સમરી ભરી શકે છે.
પોણા પાંચ કલાક પૂછપરછ ચાલી
આ અંગે થોડા સમય પહેલા અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રાજીવ મોદી પોલીસ પકડથી દૂર હતા. જો કે આજે નાટ્યાત્મક રીતે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. રાજીવ મોદીની પોણા પાંચ કલાક સુધી પૂછપરછ ચાલી હતી અને હજુ આ તપાસ ચાલુ રહેશે.
નોંધનીય છેકે, પોણા પાંચ કલાકની પૂછપરછમાં તેમના વકીલ સાથે રહીને તેમણે બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપોના જવાબ આપ્યા હતા. SIT ના વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરાઈ રહી છે. તેમજ તેમણે અત્યાર સુધી કયાં હતા તે સંદર્ભે પણ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ પોતાના કંપનીના કામસર વિદેશ હતા. મોડી રાત્રે વિદેશથી પરત ફર્યા બાદ રાજીવ મોદી હાજર થયા છે.
બલ્ગેરિયન યુવતી ગેરહાજર રહી
તેમજ આ કેસમાં મહત્ત્વનું નિવેદન બલ્ગેરિયન યુવતીનું છે, પરંતુ પોલીસ દ્વારા યુવતીને નિવેદન માટે બોલાવવામાં આવી ત્યારે તે હાજર રહી નહીં. જ્યાં સુધી યુવતીનું નિવેદન ન નોંધાય ત્યાં સુધી તપાસ આગળ વધી શકે એમ નથી. આ ઉપરાંત યુવતીએ કરેલા આક્ષેપ મુજબ જોન્સન મેથ્યુઝની ખાસ ભૂમિકા જોવા મળી નહિ. જોન્સન મેથ્યુઝે નોકરી માટેનો લેટર આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં યુવતીએ જે આક્ષેપ કર્યા હતા એ તમામ જગ્યાએ તથા કેડિલાના કર્મચારીઓ સહિત કુલ 65 લોકોનાં પોલીસે નિવેદન નોંધ્યાં છે. હવે જ્યારે યુવતીનું નિવેદન લઈ પોલીસ તપાસ વધારવા ઈચ્છે છે ત્યારે યુવતી જ હાજર નથી, જેથી તપાસ આગળ વધી શકે એમ નથી.


