- ટ્રમ્પને ન્યૂયોર્કમાં ત્રણ વર્ષ માટે બિઝનેસ કરવાની કોર્ટની મનાઈ
- નવું વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આકરું સાબિત થઈ રહ્યું છે
- ટ્રમ્પ અને તેના બે દીકરાને પણ તોતિંગ પેનલ્ટી ફટકારતી કોર્ટ
અમેરિકાના ન્યૂયોર્કમાં એક જજે સિવિલ ઠગાઈ કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આશરે 35.5 કરોડ ડોલર એટલે કે 2946 કરોડ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પ માટે આ વર્ષનો પ્રારંભ ખરાબ રહ્યો છે. આ અગાઉ ન્યૂયોર્કની જ્યૂરીએ ગત મહિને માનહાનિ કેસમાં એક મૅગઝિનના નિવૃત્ત કટારલેખક ઈ ઝીન કેરોલને 83.3 મિલિયન ડોલરનો દંડ ભરવા આદેશ આપ્યો હતો અને હવે કોર્ટે તેમની પર 355 મિલિયન ડોલરનો આ ભારેખમ દંડ લગાવી દીધો છે.
મળતી માહિતી પ્રમાણે જસ્ટિસ આર્થર એંગોરોનનો આ ચુકાદો શુક્રવારે ન્યૂયોર્કમાં એક સિવિલ કેસ પછી આવ્યો હતો. જે ખૂબ નાટકીય હતો. આ દરમ્યાન ટ્રમ્પ અને તેના વકીલ કોર્ટ રૂમમાં અંદર અને બહાર જજની સાથે વારંવાર ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ સામે આગામી ત્રણ વર્ષ માટે ન્યૂયોર્કમાં બિઝનેસ કરવા પર મનાઈ લગાવવવામાં આવી છે. આ ચુકાદો ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન દ્વારા સાનુકૂળ લોન સુરક્ષિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કપટપૂર્ણ વ્યાપારી પદ્ધતિઓને કારણે.
મળતી માહિતી અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના બે દીકરા, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પે મોટી લોન લેવા પોતાની સંપત્તિઓના મૂલ્યામાં મોટાપાયે કરોડો ડોલરનો વધારો કર્યો. ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પ સામે ચાર-ચાર મિલિયન ડોલરનો દંડ લગાવાયો છે. તેઓની સામે આગામી બે વર્ષ માટે ન્યૂયોર્કમાં કારોબાર કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવામાં જોવાનું એ છે કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ આ દંડ કઈ રીતે ચુકવશે. જો કે ટ્રમ્પની ટીમે કહ્યું છે કે તે આ ચુકાદા સામે કોર્ટમાં અપીલ કરશે.


