- ચુરાચાંદપુરમાં પાંચ દિવસ ઇન્ટરનેટ બંધ
- તોફાનો શાંત કરવા પોલીસે ટિયરગેસના શેલ છોડયા
- એસપી ઓફિસ પરના હુમલામાં સામેલ બે લોકોનું ગોળીબારમાં મૃત્યુ
મણિપુરમાં ફરી એક વાર હિંસાની આગ સળગી ઊઠી છે. સુરક્ષાદળો સાથેના સંઘર્ષમાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં છે અને બે ડઝન કરતાં વધારે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ચુરાચાંદપુર જિલ્લામાં 400થી વધુ દેખાવકારોએ એસપી ઓફિસને ઘેરી લીધી હતી. આ હુમલો થયા બાદ પોલીસે કાર્યવાહી કરવી પડી છે. તોફાનોના પગલે ચુરાચાંદપુર જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
હિંસાની આ ઘટના એક સેલ્ફી સાથે સંકળાયેલી છે. 14 ફેબ્રુઆરીએ હેડકોન્સ્ટેબલનો એક સેલ્ફી વીડિયો જાહેર થયો હતો. જેમાં તેઓ હથિયારબંધ લોકોની સાથે દેખાયા હતા. તે લોકો કુકી ઉગ્રવાદી હતા. ત્યાર બાદ એસપીએ કાર્યવાહી કરીને હેડકોન્સ્ટેબલને ફરજમુક્ત કરી દીધા હતા. પરિણામે, 15 ફેબ્રુઆરીએ મોડી રાત્રે 400થી વધારે લોકોની ભીડે એસપી કાર્યાલયને ઘેરી લીધું હતું અને પથ્થરમારો કરીને ઘણાં વાહનોને આગ ચાંપી હતી. આ દેખાવકારોને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સે ટિયરગેસના શેલ છોડયા હતા અને ગોળીબાર કર્યા હતા. જેમાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે. કહેવાય છે કે બંને મૃતકો એસપી ઓફિસ પરના હુમલામાં સામેલ હતા.
ટ્રાઇબલ લીડર્સ ફોરમનો પોલીસ પર આરોપ
કુકીઓનો આરોપ છે કે પોલીસ તેમના ગામ પર હુમલા કરે છે. કુકીઓના સિવિલ સોસાયટી ગ્રૂપ ટ્રાઇબલ લીડર્સ ફોરમે પણ કહ્યું કે આ ઘટના માટે પોલીસ જવાબદાર છે. તેણે ચુરાચાંદપુરમાં બંધનું આહવાન કર્યું હતું અને પોલીસ અધીક્ષક શિવાનંદ સુર્વેને 24 કલાકમાં પહાડી જિલ્લો છોડી દેવાની ચેતવણી આપી હતી. પોલીસે પોતાના પરના આક્ષેપોને નકારી કાઢયા છે. પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિય પર એવા વીડિયો પ્રસારિત થઈ રહ્યા છે, જેમાં પોલીસને ગ્રામરક્ષકો પર હુમલા કરતા જોઈ શકાય છે.
ચુરાચાંદપુર જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
મણિપુર સરકારે ફરીથી શરૂ થયેલાં તોફાનોને કાબૂમાં લેવા માટે ચુરાચાંદપુર જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દીધી છે. પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં કહેવાયું છે કે, કેટલાંક અસામાજિક તત્ત્વો લોકોને ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા પર ભડકાઉ તસવીરો અને પોસ્ટ શેર કરે છે. તેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પર અસર થાય તેમ છે. ખોટા સમાચારો અને અફવાઓના કારણે રાજ્યમાં શાંતિ જોખમાય તેમ છે.


