- પરીક્ષા અને ભરતીમાં શિક્ષણ વિભાગના વિલંબનો ભોગ ઉમેદવારો બન્યા
- વયમર્યાદામાં ઠરાવના બદલે ફોર્મની તારીખ ધ્યાને લેતા ઉમેદવારોને અન્યાય
- આ ભરતીમાં તા.12 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થયા
કરાર આધારિત ખેલ સહાયકની પરીક્ષા અને ભરતીમાં શિક્ષણ વિભાગ દ્વારા વિલંબ કરાતા એનો ભોગ આજે યોગ્ય લાયક ઉમેદવારો બન્યાનું જાણવા મળ્યું છે. ખેલ સહાયકની પરીક્ષા દરમિયાન 38 વર્ષની વય મર્યાદા ધરાવતાં ઉમેદવારોની આજે ઉંમર 38થી એક યા બે મહિના વધુ થઈ જતાં તેઓ ફોર્મ ભરી શકતા નથી. ભરતીની વય મર્યાદામાં ખરેખર ઠરાવની તારીખને ધ્યાને લેવાને બદલે ફોર્મ ભરવાની તારીખ ધ્યાને લેતા પરીક્ષા પાસ કરેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થયો હોવાની ફરિયાદો ઊઠી છે.
રાજ્યની 300થી વધુ સંખ્યા ધરાવતી 5,075 શાળાઓમાં રૂ.21 હજાર માસિક વેતનથી કરાર આધારીત ભરતી કરવાની રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.10 જુલાઈ-2023ના રોજ ઠરાવ પ્રસિદ્ધ કરાયો છે. આ ઠરાવ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.13 જુલાઈ-2023ના રોજ ખેલ અભિરુચિ કસોટી (SAT)નું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. આ જાહેરનામા મુજબ તા.19 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ઓનલાઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા અને આગામી 20 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ હતી. દરમિયાન જગ્યાઓ સામે માત્ર 3 હજાર જેટલા જ ફોર્મ ભરાયાં હતાં. બીજી તરફ વયમર્યાદાને લઈ રજૂઆતો થતાં સરકાર દ્વારા 35થી વધારીને 38 વર્ષ કરાતા ફોર્મ ભરવાની મુદત 9 ઓગસ્ટ સુધી લંબાવાઈ હતી. બાદમાં 20મી ઓગસ્ટના રોજ યોજાનાર પરીક્ષા જ મોકુફ કરાઈ હતી. પરીક્ષા મોકુફ કર્યાના અંદાજે સવા ત્રણ મહિના બાદ નવી લાયકાત ઉમેરવાનો નિર્ણય અને પરીક્ષા 29 નવેમ્બરે લેવાની જાહેરાત કરાઈ. 29મી નવેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પરિણામ તા.9 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે પરિણામ જાહેર થયાના અંદાજે બે મહિના બાદ ભરતી માટે જાહેરાત આપવામાં આવી. આ ભરતીમાં તા.12 ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થયા. ભરતીની જાહેરાતમાં એવુ જણાવવામા આવ્યુ કે, ઉમેદવારોની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે. જેના કારણે હાલમાં 38 વર્ષ ઉપર એક દિવસ, એક મહિનો પણ વધુ થયો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકતા નથી. આમ ખેલ સહાયકના ઠરાવથી લઈને પરીક્ષા અંગેનું જાહેરનામું, પરીક્ષાની તારીખ, પરિણામ તેમજ ભરતીની જાહેરાત આપવામાં અંદાજે 8 મહિના જેટલો વિલંબ થયો છે અને તેનો સીધો ભોગ ઉમેદવારો જ બન્યાં છે. મહત્ત્વની વાત તો એ છે કે, આમ પણ ખેલ સહાયકની જગ્યાઓ સામે પૂરતા લાયક ઉમેદવારો પાસ પણ થયા નથી. ખેલ અભિરુચિ કસોટીમાં માત્ર 1,785 જ ઉમેદવારો પાસ થયા છે, છતાં લાયક ઉમેદવારોને અન્યાય થતા ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે. જોકે આ અંગે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા છતા હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
જાન્યુઆરી માસમાં જ મને 38 વર્ષ પૂર્ણ થયા : ઉમેદવાર
એક ઉમેદવારે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ હતું કે, ખેલ અભિરુચિ કસોટીમાં મારે સારા માર્કસ આવેલા છે, પરંતુ અત્યારે હું ફોર્મ ભરી શકતો નથી. કારણ કે, મને 38 વર્ષ જાન્યુઆરી માસમાં જ પૂર્ણ થયા છે. જોકે પરીક્ષા લેવામાં અને પરિણામ બાદ ભરતી પ્રક્રિયામાં વિલંબ કરાતાં મને અન્યાય થયો છે. જો ઠરાવની તારીખ અથવા તો પરીક્ષાના જાહેરનામાની તારીખને ધ્યાને લેવામાં આવે તો હું આ ભરતીમાં આવી શકું છું.


