- વાહન ડીલરોએ નવા વાહનના વેચાણમાં અમલ કરવાના નિયમો માત્ર કાગળ પર જ
- રાજ્યની વિવિધ ઇ્ર્ંમાંથી ડીલરના ટીસી રદ-સસ્પેન્ડની 10 અરજી, છતાં કાર્યવાહી નહીં
- અમદાવાદમાંથી પણ ટીસી રદ-સસ્પેન્ડની અરજી મોકલાઇ હોવાનું જાણવા મળ્યું
રાજ્યની આરટીઓમાં વાહન અને લાઇસન્સ સબંધિત કામગીરીમાં સામાન્ય વ્યક્તિ ભૂલ કરે તો નિયમ મુજબ દંડાય છે, જ્યારે તહેવારમાં કેટલાક વાહન ડીલરે નંબરપ્લેટ વગર નવા વાહન વેચી દીધા હોવા છતાં વાહનવ્યવહાર કમિશનર કચેરી તરફથી હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. વાહનના વેચાણમાં ગેરરીતિ આચરનાર કેટલાક વાહન ડીલરોને કમિશનર કચેરી છાવરી રહ્યું હોવાનો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. રાજ્યની વિવિધ આરટીઓમાં 10 ડીલરનો ટીસી રદ-સસ્પેન્ડની અંદાજે 10 અરજી મોકલાઈ છે, પરંતુ હજી સુધી એક પણ ડીલર સામે કાર્યવાહી નહીં કરી અરજી દબાવી રાખી છે. અમદાવાદમાંથી પણ ટીસી રદ-સસ્પેન્ડની અરજી મોકલાઇ હોવાનું જાણવા મળ્યું છે. ડીલરોએ નવા વાહનના વેચાણમાં અમલ કરવાના નિયમ માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે.
વાહનવ્યવહાર કચરીએ આરટીઓમાં થતાં નવા વાહનના રજિસ્ટ્રેશનની કામગીરી વાહન ડીલરોને સોંપી છે. જેની સામે કેટલાક વાહન ડીલરોએ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. હજી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. કચેરી દ્વારા જાહેર કરાયેલા નિયમમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, નંબરપ્લેટ વગર વાહન વેચી શકાશે નહીં. આમ છતાં કેટલાક વાહન ડીલરોએ ગત તહેવારોમાં આરટીઓ પ્રોસેસ વગર અને નંબર પ્લેટ વગર વાહનો વેચી દીધા છે. આમ છતાં વાહનવ્યવહાર કમિશનર કચેરીએ કોઇ કાર્યવાહી કરી નથી. ઉલ્લેખનીય છેકે, ટી.સી.રદ-સસ્પેન્ડની સત્તા હવે કમિશનર કચેરી પાસે છે. જેથી નવા વાહનના વેચાણમાં કોઈ ડીલર ખોટું કરે તો સબંધિત આરટીઓ કચેરીએ પુરાવા સાથે અરજી કમિશનર કચેરીને મોકલી આપવાની રહે છે. જેના આધારે કમિશનર કચેરી નિર્ણય કરે છે. આમ છતાં ટીસીરદ-સસ્પેન્ડની અરજીઓનો નિકાલ નહીં કરીને સંબંધિત વાહન ડીલરોને છાવરવામાં આવી રહ્યા છે. તેવો પૂર્વ અધિકારીઓએ આક્ષેપ કર્યો છે. એક ડીલરે કહ્યું કે, કમિશનર વ્હાલાદવલાની નીતિ અપનાવી રહ્યા છે. જેના લીધે કેટલાક વાહન ડીલરો ખોટું કરવાનું મોકળું મેદાન મળી ગયું છે. કેટલાક વાહન ડીલરો તો આરટીઓ ફીના નામે નવા વાહન પર આડેધડ ચાર્જ લઇ રહ્યા છે. સિસ્ટમથી અજાણ ગ્રાહકો બિનજરૂરી લુંટાતા હોવા છતાં સરકારી બાબુઓ ચૂપકીદિ સેવી રહ્યા છે.
ડીલરોએ નવા વાહનના વેચાણમાં અમલ કરવાના નિયમ
- ડીલરો દ્વારા એચએસઆરપી ફીટ કર્યા સિવાય નવું વાહન વેચી શકશે નહીં.
- ડિલીવરીના સમય ફોર્મ નં.20,21,22 સેલ ઇન્વોઇસ સહિતના તમામ દસ્તાવેજો સ્કેન કરીને સિક્કો મારી સર્વરમાં અપલોડ કરવાના રહેશે. ઓરિજીનલ દસ્તાવેજ વાહન માલિકને આપી દેવાના રહેશે.
- વાહન ડિલરે ઇ-દસ્તાવેજની નકલ રાખવાની અને ઓથોરિટી સમક્ષ મંજૂરી માટે રજૂ કરવાની રહેશે.
- વાહનના રોડ ટેક્સની રકમ ભરીને તેની રસીદ વાહન 4.0 પોર્ટલમાં અપલોડ કરવાની રહેશે.
- ફોર્મ નં.20માં નોંધાયેલા નામ-સરનામા મુજબ પુરાવા હોવા જોઇએ.
- ઇન્સ્પેક્શન રિપોર્ટ પર ચેસીસ નંબરની પેન્સીલ પ્રિન્ટ લઇ અપલોડ કરવાની રહેશે.
- દસ્તાવેજની ચકાસણી કરીને અપલોડ કરવાના રહેશે.
- ડીલર વાહનની કેટેગરી, કલર અને પ્રકારની માહિતી સબમિટી કર્યા પછી બદલી શકશે નહીં. ટ્રાન્સપોર્ટ અને નોન ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં મૂંઝવણ હોય તો આરટીઓ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
- રજિસ્ટ્રેશન ફી અને ટેક્ષનું પત્રક પોર્ટલમાં સબમિટી કરવાનું રહેશે.
- સીએનએ ફેર્મ ભરાયું હોય તો વાહનના પસંદગીનો નંબર રેન્ડમ પદ્ધતિથી ફળવવાનો રહેશે નહીં.
- વાહનના પુરાવા અપલોડ કરવાની સંપૂર્ણ જવાબદારી ડિલરની રહેશે


