- ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ યથાવત્
- અમે વાટાઘાટોથી કંઈ હાંસલ કરી રહ્યાં નથી : બેંઝામિન નેતન્યાહૂ
- કૈરોમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિમંત્રણા પડી ભાંગી
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા અટકી શકે છે. વાસ્તવમાં ઈઝરાયલનું કહેવું છે કે હમાસની માંગણીઓ એવી છે કે તેને સ્વીકારી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સંકેત આપ્યા છે કે તેઓ વાતચીતમાંથી ખસી રહ્યા છે. નેતન્યાહુએ એમ પણ કહ્યું હતું કે ઈઝરાયલ પેલેસ્ટાઈન સાથે બે-રાજ્ય કરાર અંગે કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણને વશ થશે નહીં. તેમણે કહ્યું કે ઈઝરાયલ આવી કોઈપણ વાતચીત સીધી પેલેસ્ટાઈન સાથે કરશે અને તે પણ કોઈ નિશ્ચિત શરતો વગર.
‘અમે વાટાઘાટોથી કંઈ હાંસલ કરી રહ્યાં નથી’
ઈજિપ્તની રાજધાની કૈરોમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ મંત્રણા ચાલી રહી છે. અમેરિકાના કહેવા પર ઈઝરાયલે પણ પોતાના વાટાઘાટોકારોને કૈરો મોકલ્યા હતા, પરંતુ બેન્જામિન નેતન્યાહુએ વધુ વાતચીત માટે પોતાના વાટાઘાટકારોને કેરો મોકલવાનો ઈન્કાર કરી દીધો છે. આ અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર નેતન્યાહૂએ કહ્યું કે ‘હમાસની ભ્રામક માંગ સિવાય અમને આ વાતચીતથી કંઈપણ પ્રાપ્ત થઈ રહ્યું નથી.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસ દ્વારા કરવામાં આવી રહેલી માંગણીઓમાં ગાઝામાં યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવાની અને હમાસને છોડવાની માંગ છે. ઈઝરાયલની જેલોમાંથી હજારો હમાસ સમર્થકોને મુક્ત કરવાની સાથે જેરુસલેમમાં યહૂદી ધાર્મિક સ્થળ ટેમ્પલ માઉન્ટને લઈને પણ માંગણી કરવામાં આવી છે.
100થી વધુ બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે
નેતન્યાહુએ કહ્યું કે ‘કૈરોમાં ઈઝરાયલના પ્રતિનિધિઓ ફક્ત બેસીને સાંભળી રહ્યા હતા અને હમાસના નેતાઓમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં, જ્યાં સુધી અમને થોડો ફેરફાર દેખાય નહીં ત્યાં સુધી અમે અમારા પ્રતિનિધિઓને વાતચીત માટે પાછા નહીં મોકલીએ. 100થી વધુ ઈઝરાયેલના બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. બીજી તરફ ઈઝરાયલ હમાસને ખતમ કરવા પર અડગ છે. ઈઝરાયલે હવે રફાહ શહેરમાં પોતાનું અભિયાન શરૂ કર્યું છે. પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની માંગ પર ઈઝરાયેલના પીએમએ કહ્યું કે, પેલેસ્ટાઈનને અલગ દેશ તરીકે એકપક્ષીય રીતે માન્યતા આપવા કરતાં આતંકવાદ માટે કોઈ મોટું ઈનામ હોઈ શકે નહીં.


