- સમગ્ર બનાવનો રિપોર્ટ આપવા બે કેળવણી નિરીક્ષકને તપાસ અપાઈ
- જિલ્લાની દરેક શાળાને આવી ઘટના ન બને તે બાબતે તકેદારી રાખવા પરિપત્ર જારી કરાયો
- સ્કૂલમાં ન બને તે બાબતે તકેદારી રાખવા જિલ્લાકક્ષાએથી પરીપત્ર પણ કરાયો છે
દસાડા તાલુકાની ફતેપુર શાળાના 20થી વધુ ભુલકાંઓને લોક કરી અપડાઉનીયા શિક્ષકો શનિવારે જતા રહ્યા હતા. વાલીઓને બાળકો પુરાયાની જાણ થતા તાળુ તોડી બાળકોને બહાર કઢાયા હતા. પરંતુ આ વાત સામે આવતા શિક્ષકો પ્રત્યે રોષ ફેલાયો હતો અને આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી શીલ્પાબેન પટેલની સુચનાથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબુભાઈ સોલંકીએ શિક્ષકો અને આચાર્યને કારણદર્શન નોટીસ પાઠવી હતી અને વીડિયો કોલના માધ્યમથી વાત કરી સમગ્ર હકિકત જાતી હતી. ત્યારબાદ આ અંગેનો અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શનિવારે મોડી સાંજે ગાંધીનગર સ્થિત પ્રાથમીક શિક્ષણ નિયામકને અપાયો હતો. જેમાં હાલ કારણદર્શક નોટીસ આપી આ અંગેની તપાસ કેળવણી નીરીક્ષક વી.સી.ઝાલા અને પી.પી.ડોડીયાને સોંપાઈ છે. જેઓનો તપાસ રીપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આવી ઘટના જિલ્લાની કોઈ બીજી સ્કૂલમાં ન બને તે બાબતે તકેદારી રાખવા જિલ્લાકક્ષાએથી પરીપત્ર પણ કરાયો છે.


