- આજે 20 કિલો ડુંગળીના ભાવ 200થી 400 સુધી બોલાયા
- ગત સપ્તાહે ડુંગળીનો ભાવ 100થી 220 સુધીનો હતો
- યાર્ડમાં 60 હજારથી વધુ થેલા વહેંચવા માટે આવ્યા
કેન્દ્ર સરકારે નિકાસની છૂટ આપ્યા બાદ ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જે સાથે જ આજે 20 કિલો ડુંગળીના ભાવ 200થી 400 સુધી બોલાયા છે. તેમજ એક સપ્તાહ અગાઉ ડુંગળીનો ભાવ રૂ. 100થી 220 સુધીનો હતો જે લગભગ બમણો થયો છે.
આ અંગેની માહિતી અનુાસર, આજે ભાવનગર માર્કેટ યાર્ડમાં 20 કિલો ડુંગળી રૂપિયા 200થી લઇને 400ના ભાવે વેચાઇ રહ્યો છે. તેમજ માર્કેટ યાર્ડમાં આજે 60 થી 70 હજાર ગુણી ડુંગળીની આવક થઇ છે. ભલે ડુંગળીના ભાવ વધ્યા, પરંતુ ખેડૂતોને તો અભાવ જ છે. નિકાસની છૂટ બાદ પણ ખેડૂતને તો રડવાનો જ વારો આવ્યો છે.
આજે યાર્ડમાં હરાજી શરૂ થતા ની સાથે જ ભાવમાં સુધારો જોવા મળ્યો છે. હાલ ભાવનગર યાર્ડ માં 60 હજાર થી વધુ થેલા વહેંચવા માટે આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે ડુંગળીની નિકાસની છૂટનો લાભ માત્ર વેપારીઓને કે સંગ્રહખોરોને મળશે. ખેડૂતોનો આરોપ છે કે સરકારે વેપારીઓને લાભ કરાવવા માટે નિર્ણય લીધો છે. જોકે આ મામલે ખેડૂતોને મોટો લાભ થવાની શક્યતા રહેલી છે.
કોંગ્રેસે લગાવ્યા આરોપ
જ્યારે બીજી તરફ નિકાસબંધીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી લક્ષી નિર્ણય ગણાવ્યો છે અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કહ્યું કે, માત્ર 3 લાખ ટન ડુંગળીની નિકાસથી ખેડૂતોને લાભ નહીં. થાય. તેમણે આક્ષેપ કર્યો કે ઓગષ્ટ 2023થી મોદી સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ટેક્સ લગાવી દીધો ત્યારબાદ ડિસેમ્બર 2023થી ડુંગળીની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો. જેના કારણે ખેડૂતોને નજીવા દરે ડુંગળી વેચવાનો વારો આવ્યો.


