- હાલ 15 સિક્યોરિટી પાછળ મહિને સવા બે લાખનો ખર્ચ
- સરકારી કચેરીમાંથી સલામતીની સેવા બંધ કરવા આવો પત્ર પ્રથમવાર લખાયો
- આ મામલે તપાસ કરવા ગૃહ વિભાગ સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી છે
અમદાવાદ જિલ્લા પંચાયતમાંથી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ સોસાયટી (GISF)એ આંતરિક વિવાદના પગલે પોતાની સલામતીની સેવા બંધ કરલા લેખલા પત્રથી વિવાદ સર્જાયો છે. સરકારી કચેરીમાંથી સેવા બંધ કરવા આવો પત્ર પ્રથમવાર લખાયો હોવાનું જણાવી સિક્યોરિટી કર્મચારીઓએ વિરોધ કર્યો છે અને આ મામલે તપાસ કરવા ગૃહ વિભાગ સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી છે. હાલ અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા GISFના 15 સિક્યોરિટી પાછળ મહિને સવા બે લાખનો ખર્ચ કરાય છે.
GISF તરફથી લખાયેલા પત્રમાં જણાવાયું છેકે, વર્ષ 2018થી 15 ગાર્ડની સલામતી સેવા અપાય છે. સેવા હાલમાં પણ ચાલું છે. સંસ્થાના વહીવટી કારણોસર અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીમાંથી તા.31-1-24ના રોજ રાત્રિના 12.00 વાગ્યાથી સેવા કેમ બંધ ન કરવી ? તે બાબતે આપના તરફથી જવાબ મળ્યો નથી. જેથી જિલ્લા પંચાયત કચેરીમાંથી સલામતી સેવા ઉપરોક્ત તારીખ અને સમયથી બંધ કરાય છે. આ પત્ર GISFના મુખ્ય કારોબારી અધિકારી(CEO) અને નિવૃત એસ.પી. આર.ડી. બરંડાએ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરને લખ્યો છે.
જીઆઇએસએફના જવાનોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, શિક્ષિત બેરોજગારોની સાથે એલઆરડીના વેઇટીંગમાં રહેલા ઉમેદવારોને પણ રોજગારી મળે તેવો સંસ્થાનો ઉદ્દેશ હતો. વર્ષ 1997થી 2011માં આ પ્રકારના બેરોજગારોની ભરતી થઇ હતી.


