- ઉઘડતી સિલક 33.55 કરોડ, 19.33 કરોડની આવક સામે 39.51 કરોડના ખર્ચનો અંદાજ
- અન્ય તમામ વિભાગમાં જોગવાઈ વધી, સૌથી જરૂરી આરોગ્યમાં 7 લાખ જેવો ઘટાડો
- સ્વભંડોળનો 50 ટકાથી વધુ ખર્ચ વિકાસના કામો માટે થશે
ગાંધીનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2024-25ના વર્ષનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ઉઘડતી સિકલ 33.55 કરોડ તથા સંભવિત 19.33 કરોડની આવકનો અંદાજ લગાવાયો છે. જેની સામે સંભવિત 39.51 કરોડના ખર્ચ અંદાજને પગલે વર્ષના અંતે 13.38 કરોડ જેવી પુરાંત રહેવાની સંભાવના છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ શિલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં તેમણે વર્ષ 2023-24નું સુધારેલું અંદાજપત્ર અને વર્ષ 2024-25ના વર્ષનું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું જેને સામાન્ય સભામાં બહુમતથી પસાર કરવામાં આવ્યું હતું .વર્ષ 2023-24માં સ્વભંડોળમાંથી 27.63 કરોડના ખર્ચની જોગવાઈ કરાઈ હતી. જેની સામે આ વર્ષે 39.51 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. ગત વર્ષ કરતાં જિલ્લા પંચાયત સ્વભંડોળના ખર્ચની જોગવાઈમાં 11.88 કરોડના વધારો કરવામાં આવ્યો છે. છલાં જિલ્લા પંચાયતની 31 માર્ચ 2025ના રોજની 13.38 કરોડની પુરાંત રહેશે. સ્વભંડોળમાં આવકની વાત કરીએ ગત વર્ષે 24.92 કરોડની આવક, 36.26 કરોડની ઉઘડતી સિકલ મળી 61.19 કરોડની આવક હતી. જેની સામે ચાલુ વર્ષે 19.33 કરોડની આવક અને 33.55 કરોડની ઉઘડતી સિકલ મળી કુલ 52.89 કરોડની આવકનો અંદાજ લગાવાયો છે. અન્ય કરની આવકમાં સ્ટેમ્પ ડયુટીની 8 કરોડ જ્યારે રેતી કાંકરી ગ્રાન્ટ 7.50 કરોડની આવકનો અંદાજ છે. આ ઉપરાંત જમીન મહેસૂલ પર અનુદાન, વનમહેસૂલની ગ્રાન્ટ, સ્ટાફ ખર્ચના 50 ટકા, પંચાયતે સંભાળે સીડફાર્મના ઉત્પાદનમાંથી વેચાણ, ભાડાની આવક, સિંચાઈ યોજનાની આવક સહિતની આવકનો સમાવેશ થાય છે. સ્વભંડોળના ખર્ચની વાત કરીએ તો ગત વર્ષે 2023-24માં 27.63 કરોડની સામે આ વર્ષે 39.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના અન્ય તમામ વિભાગની જોગવાઈમાં વધારો કરાયો છે. જ્યારે આરોગ્યમાં 7 લાખ જેટલો ઘટાડો થયો છે. ગત વર્ષ આરોગ્ય માટે 55.65 લાખની જોગવાઈ કરાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે 49.25 લાખની જોગવાઈ કરી છે. જેમાં ખાસ કરીને આકસ્મિક રોચગાળા, કુદરતી આપતિ પરિસ્થિતિમાં દવા-સાધનો ખરીદવા માટે ગત વર્ષની 12 લાખની જોગવાઈ સામે 2 લાખની જ જોગવાઈ કરાઈ છે. પ્રકીર્ણ યોજના અને કાર્યોમાં પાંચ લાખનો ઘટાડો કરાયો છે. ગત વર્ષે 4.36 કરોડ સામે ચાલુ વર્ષે 4.31 કરોડની જોગવાઈ કરાઈ છે. ગત વર્ષે કોવિડ માટે કોવિડ સહિતની કુદરતિ આપત્તી માટે કરાયેલી 5 લાખની જોગવાઈ સામે ચાલુ વર્ષે 1 લાખ જ કરાયા છે. તથા કર્મચારી રમતગત સાધનો અને અન્ય કન્ટજન્સી ખર્ચમાં કોઈ જોગવાઈ કરાઈ નથી, જે ગત વર્ષે દોઢ લાખ જેવી હતી.
બજેટ રજૂ કરતાં સમયે પ્રમુખે કહ્યું હતું કે, મર્યાદીત આવક સામે ખર્ચનું યોગ્ય આયોજન કરીને સ્વભંડોળનું 2024-25ના વર્ષનું 13.38 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કરાયું છે. આવર મર્યાદીત હોવા છતાં વિવિધ યોજનાઓ માટે મહત્વની જોગવાઈ કરાઈ છે. જેમાં ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ, બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, બાળ વિકાસ, સિંચાઈ તમામ ક્ષેત્રને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. બેઠકની શરૂઆતમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શુભેચ્છા ઠરાવ કરાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરાયો હતો.


