- તેમની ભારત જોડો ન્યાય યાત્રા થોડી વાર માટે અટકાવી દેવામાં આવી હતી
- રાહુલે 2018માં બેગલુરૂમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
- BJPના એક નેતાએ ફરીયાદ કરી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલ ન્યાય યાત્રા પર છે આ દરમિયાન માનહાની કેસમાં તેઓ સુલતાનપુર કોર્ટમાં હાજર થયા હતા. આ મામલે આજે તેમના જામીન કોર્ટે મંજૂર કરી દીધા છે. કોર્ટમાં હાજર રહેવાનુ હોવાથી તેમની ભારત જોડો ન્યાય યાત્રા થોડી વાર માટે અટકાવી દેવામાં આવી હતી. રાહુલે 2018માં બેગલુરૂમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના પર BJPના એક નેતાએ ફરીયાદ કરી હતી. આ મામલે રાહુલ આજે કોર્ટમાં હાજર થયા હતા. આજે બપોરે 2 વાગ્યાથી રાયબરેલીથી તેઓ ફરીથી તેમની યાત્રા શરૂ કરી દેશે.
આ મામલો 4 ઓગસ્ટ, 2018નો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે X પર આ વિશે પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું કે, રાહુલ ગાંધીને 20 ફેબ્રુઆરીની સવારે સુલતાનપુરની ઉત્તર પ્રદેશ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે. આ મામલો 4 ઓગસ્ટ, 2018ના રોજ ભાજપના એક નેતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસ સાથે સંબંધિત છે. ભારત જોડો ન્યાય યાત્રા મંગળવારે સવારે બંધ થશે અને 20 ફેબ્રુઆરીએ તેનો કાર્યક્રમ અમેઠીના ફુરસતગંજથી બપોરે 2 વાગ્યે શરૂ થશે.
રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો
ફરિયાદી વિજય મિશ્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ બેંગલુરુમાં અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ખૂની છે. જ્યારે મેં આ આરોપો સાંભળ્યા ત્યારે મને ખૂબ જ દુઃખ થયું કારણ કે હું 33 વર્ષથી પાર્ટી (ભાજપ) માટે કામ કરી રહ્યો છું. આ મારા વકીલ દ્વારા થયું અને તે લગભગ પાંચ વર્ષ સુધી ચાલ્યું. વિજય મિશ્રાના વકીલે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું હતું કે જો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા એકત્ર કરવામાં આવે અને બતાવવામાં આવે તો તેમને વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે. રાહુલ ગાંધીના નિવેદનના ચાર વર્ષ પહેલા અમિત શાહને મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 2005ના નકલી એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. તે સમયે અમિત શાહ ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી હતા.


