- નિજ્જરના સહયોગીના ઘરે થયેલ હુમલાને લઈને કેનેડાનું નિવેદન
- હુમલા સમયે વ્યક્ત કરાઇ હતી વિદેશી હસ્તક્ષેપની આશંકા
- કેનેડાએ સત્તાવાર નિવેદનમાં હુમલામાં વિદેશી હસ્તક્ષેપનો કર્યો ઇનકાર
ખાલિસ્તાની સમર્થક નેતા હરદીપ સિંહ નિજ્જરના સહયોગીના ઘરે થયેલ હુમલાને લઈને કેનેડીયન સરકારે સત્તાવાર નિવેદન આપ્યું છે. કેનેડીયન સરકારે માહિતી આપતા જણાવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરના સહયોગીના ઘરે થયેલ હુમલામાં કોઈ વિદેશી હસ્તક્ષેપ નથી થયો. અર્થાત કેનેડાનું કહેવું છે કે આ હુમલામાં ભારતનો હાથ નથી. ગત મંગળવાર 20 ફેબ્રુઆરીના રોજ કેનેડિયન કાયદા અમલીકરણ દ્વારા એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસની સરે ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઘટના સમયે એવી અટકળો હતી કે આ મામલો કોઈ વિદેશી દેશ દ્વારા હસ્તક્ષેપ સાથે સંબંધિત છે. જો કે, જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે, આ બાબતે કોઈ વિદેશી હસ્તક્ષેપની ખરાઈ થઈ નથી.
SFJએ લગાવ્યો હતો હુમલાનો આરોપ
આ પહેલા, શીખ ફોર જસ્ટિસ (SFJ) જૂથે આરોપ લગાવવામાં આવ્યો હતો કે 1 ફેબ્રુઆરીની સવારે સિમરનજીત સિંહના ઘરે થયેલા હુમલામાં ભારતનો હાથ હતો. SFJએ 12 ફેબ્રુઆરીએ ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA)માં થયેલા હુમલા માટે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ હુમલામાં ઈન્દ્રજીત સિંહ ગોસલના નિર્માણાધીન મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈન્દ્રજીત પર કથિત રીતે ખાલિસ્તાન જનમતમાં મદદ કરવાનો આરોપ હતો.
ગત વર્ષે હરદીપ સિંહ નિજ્જરની થઈ હતી હત્યા
આ પહેલા, ગત વર્ષે 18 જૂનના રોજ કેનેડા ખાતે એક ગુરુદ્વારાની બહાર હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હરદીપ સિંહની ઓળખાણ એક ખાલિસ્તાની સમર્થક નેતા તરીકેની હતી. તેની હત્યા બાદ એવી આશંકાઓ સેવવામાં આવી રહી હતી કે આ હત્યા પાછળ ભારત સરકારનો હાથ છે. જોકે, ભારતે આ આરોપોને હંમેશા રદિયો આપ્યો છે.
ગત વર્ષે ભારત-કેનેડાના સંબંધોમાં આવી હતી કડવાશ
છેલ્લા એક વર્ષથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે નિજ્જરની હત્યા ભારતીય એજન્ટો દ્વારા કરવામાં આવી હતી. આ નિવેદન બાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા.


