- કુંડોલ વિસ્તારમાં નિકલ, ક્રોમિયમ અંગે કેન્દ્ર સરકારે સરવે કરાવેલો
- મોટી સંખ્યામાં આદિવાસીઓ ભેગા થયા
- ખનનની કાર્યવાહી અટકાવવા રજૂઆત
ભિલોડા તાલુકાના કુંડોલ પાલ,ભાણમેર,ધનસોર તેમજ મસોતા પંથકમાં નિકલ અને ક્રોમિયમ નામની ધાતુ હોવાનું સરકારના સર્વેમાં સામે આવ્યુ હતુ. આ વિસ્તારોમાં ખનીજ ધાતુનો ભંડાર હોય તેનુ ખનન કરવા માટે ભારત સરકારે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ હાથ ધરી છે. ત્યારે સ્થાનિકો અને સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. ધાતુ ખનનનો પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ સાથે કુંડોલ (પાલ) ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાત અને ભારત સરકાર સમક્ષ રજૂઆતો પણ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તાર કુંડોલ (પાલ) સહિત આસપાસના વિસ્તારોમાં ભારત સરકારના ખનીજ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં આ વિસ્તરમાં નિકલ અને ક્રોમિયમ નામની કિંમતી ધાતુ જમીનના પેટાળમાં હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં સરકારે આ વિસ્તારમાં ખનન કરી કિંમતી ધાતુઓ કાઢવા માટે ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરતાં સ્થાનિકો ઉપરાંત સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ઉભો થયો છે. ખનન પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરવા બુધવારે કુંડોલ (પાલ) ગામે ગ્રામજનો એકઠા થયા હતા અને ગ્રામ પંચાયત દ્વારા ધાતુના ખનન સામેના પ્રોજેક્ટનો વિરોધ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા અરવલ્લી કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે,કેન્દ્ર સરકારના ખાણ ખનિજ વિભાગ દ્વારા 29/11/2023ના રોજ ખનન માટે પાડવામાં આવેલ ટેન્ડરનો સર્વ સંમતિથી વિરોધ કરવામાં આવે છે.
નિકલનો સ્ટીલમાં અને ક્રોમિયમનો બેટરીમાં ઉપયોગ થાય છે
અરવલ્લીની ગિરિમાળામાં આવેલ ભિલોડા તાલુકાના કુંડોલ (પાલ),ભાણમેર,ધનસોર તેમજ મસોતા પંથકમાં ભારત સરકારના ખનિજ વિભાગ દ્વારા સર્વે કરાયો હતો. જેમાં નિકોલ નામની ધાતુ હોવાનું સામે આવ્યુ હતુ. નિકોલ ધાતુનો સ્ટલમાં ઉપયોગ કરવામાં આવે છે,જ્યારે ક્રોમિયમ નામની ધાતુનો બેટરીમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુ મોંઘીદાટ હોય ખનન માટે સરકારે ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી છે.


