એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરતી સરકાર
હવેથી કર્મચારીઓને મળશે ૫૮ ટકા, એરિયર્સની પણ ચૂકવણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના હજારો કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર, એસટી કર્મચારીઓને ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થા (DA) માં 3 ટકાનો ધરખમ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કર્મચારીઓને 55 ટકા મુજબ મળતું મોંઘવારી ભથ્થું હવેથી વધારીને 58 ટકા કરી દેવામાં આવ્યું છે, જેનો સીધો આર્થિક લાભ રાજ્યભરના હજારો એસટી કર્મચારીઓને મળશે.
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો લાભ એસટી નિગમના તમામ પાત્રતા ધરાવતા કર્મચારીઓને આપવામાં આવશે. કર્મચારીઓને માત્ર વધારેલું મોંઘવારી ભથ્થું જ નહીં મળે, પરંતુ વધારાની રકમના બાકી રહેલા એરિયર્સની પણ સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. સરકારના આ કર્મચારીલક્ષી નિર્ણયથી એસટી નિગમની તિજોરી પર અંદાજે 24 કરોડ રૂપિયાથી વધુનો વધારાનો આર્થિક બોજ પડશે, પરંતુ તેની સામે તહેવારો અને વર્તમાન આર્થિક સ્થિતિ વચ્ચે કર્મચારીઓને મોટી નાણાકીય રાહત મળશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયના સત્તાવાર અમલીકરણ માટેના વિગતવાર આદેશો ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થું એ એવી નાણાકીય વ્યવસ્થા છે, જે સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને સતત વધતી મોંઘવારી સામે તેમનું જીવનધોરણ સારી રીતે જાળવી રાખવા માટે આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારીના આંકડાઓ પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી થાય છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારો મુજબ કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના ધોરણો અલગ-અલગ હોઈ શકે છે. ગુજરાત એસટી (GSRTC) કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાધોરણો તેમજ સાતમા પગાર પંચ (7th Pay Commission) ની માર્ગદર્શિકા મુજબ ગણવામાં આવે છે.


