- ગાંધીનગરથી પાલનપુર લઈ જવાઈ રહેલા જથ્થાનો સ્થળ પર નાશ
- શંકાસ્પદ ચીઝ અને પનીરનો 83 હજારનો 307 કિલો જથ્થો જપ્ત કરાયો
- દૂધનો 1.68 લાખની કિંમતનો 4,781 લીટર જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી આશરે 4.17 લાખની કિંમતનો 10 હજાર લીટર જેટલો ભેળસેળયુક્ત દૂધના જથ્થાનો નાશ કરાયો છે, સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો 83 હજારની કિંમતનો 307 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરાયો છે.
તંત્રને પાલનપુર-બનાસકાંઠા ખાતે ટેન્કરમાં લઈ જવામાં આવી રહેલું દૂધ શંકાસ્પદ હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતાં ટેન્કરમાં રહેલા દૂધના જથ્થામાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી, આ ટેન્કર પાલનપુરના મે. સધી મા મિલ્ક પ્રોડક્ટસને દૂધ પૂરુ પાડવા જઈ રહ્યું હતું. પેઢીના માલિક લક્ષ્મણ મોદીની હાજરીમાં દૂધના 11 નમૂના લેવામાં આવ્યા હતા, સાથે જ દૂધનો 1.68 લાખની કિંમતનો 4,781 લીટર જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો.
દૂધનો આ જથ્થો ગાંધીનગરની મે. ગામડીવાલા મિલ્ક પ્રોસેસર પેઢી દ્વારા મોકલવામાં આવી રહ્યો હતો, આ પેઢી ખાતે તપાસ કરતાં તેમાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળી હતી, જેના આધારે પેઢીના મેનેજર મહેન્દ્ર શુક્લાની હાજરીમાં દૂધના સાત અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો એક નમૂનો મળી કુલ 8 નમૂના લેવામાં આવ્યા હતા. બાકીના 2.5 લાખની કિંમતનો 5 હજાર લીટર દૂધ નાશ કરાયો હતો. પેઢીમાંથી પનીર, ચીઝ જેવી દૂધની બનાવટોની તપાસ કરતાં તે પણ શંકાસ્પદ જણાઈ હતી. ચીઝનો એક અને પનીરના બે મળી કુલ ત્રણ નમૂના લેવાયા હતા, જ્યારે રૂ. 82,976ની કિંમતનો આશરે 307 કિલો ગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો. આ ખાદ્ય પદાર્થના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે.


