ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં બેદરકારીઓથી લોકો પરેશાન હોવાની ફરિયાદો
સામાન્ય વરસાદમાં ઠેર-ઠેર પડ્યા મસમોટા ભૂવા, તુટેલા રસ્તાઓ સામે કોંગ્રેસ દ્વારા તપાસની ઉગ્ર માંગ ઉઠી
અગ્ર ગુજરાત, ઉપલેટા
રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર યોજનાના કામમાં આચરાઈ રહેલા ખુલ્લા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, જ્યારથી આ યોજનાની શરૂઆત થઈ છે, ત્યારથી જ કામગીરીમાં ભારે ગેરરીતિ અને અનિયમિતતા છતી થઈ રહી છે. સ્થાનિક લોકો, સામાજિક આગેવાનો અને રાજકીય પક્ષોની અસંખ્ય ફરિયાદો છતાં સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવું જણાવ્યું છે.
વધુમાં આશ્ચર્યની વાત એ છે કે, કરોડો રૂપિયાના આ પ્રોજેક્ટમાં સાઈટ પર કોઈ જવાબદાર એન્જિનિયર કે સુપરવાઈઝર ફરકતા પણ નથી. એટલું જ નહીં, સરકારે નીમેલા ‘થર્ડ પાર્ટી એન્જિનિયર’ પણ ક્યાંય જોવા મળતા નથી! પરિણામે કામગીરી એટલી હદે નબળી થઈ છે કે તાજેતરમાં ઉપલેટામાં સામાન્ય વરસાદ પડતા જ આખા ગામમાં ઠેર-ઠેર મસમોટા ભૂવા અને ખાડા પડી ગયા છે અને સાથે રોડ રસ્તામાં કાયદો કિટને કારણે અકસ્માતોની સંખ્યા વધી છે અને વાહનો પણ સ્લીપ થવાના કિસ્સા વધી રહ્યા છે.
કોંગ્રેસ નેતાએ આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે આ તો હજુ ચોમાસાની માત્ર શરૂઆત છે! જો આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે તો ઉપલેટાના રસ્તાઓ લોકો માટે અત્યંત જોખમી બની જશે. પાણી ભરાયેલા આ ખાડાઓમાં મોટરસાયકલ અને અન્ય વાહનો ફસાશે, જેનાથી નિર્દોષ નાગરિકોને ગંભીર ઈજાઓ પહોંચવાનો અને હાથ-પગ તૂટવાનો મોટો ભય તોળાઈ રહ્યો છે.
કોંગ્રેસે આકરા શબ્દોમાં માંગ કરી છે કે, ઉપલેટા નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને સરકારી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોયા વિના સત્વરે જાગે. હાલ જે પણ કામગીરી ચાલી રહી છે તે સઘન ચેકિંગ સાથે, કડકાઈથી અને સંપૂર્ણ નિયમ મુજબ જ કરાવવામાં આવે તે સમયની માંગ છે ત્યારે હવે આગળના દિવસોમાં હજુ કેટલા અકસ્માતો અને ગોલમાલ બહાર આવે તે આગળના દિવસોમાં ચોક્કસ જોવા મળશે.


