- કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરું છોડાતા સ્થાનિકો પરેશાન
- પીડબ્લ્યુડી નોટિસને પણ કોન્ટ્રાક્ટર ઘોળીને પી ગયા
- અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી
કઠલાલ તાલુકાના પીઠાઈ ગામથી સરાલી તેમજ અમદાવાદ ઇન્દોર હાઇવે ને જોડતો 2 કિલોમીટરનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.પીઠાઈ ગામ માંથી વિદ્યા અભ્યાસ તેમજ નોકરી ધંધા અર્થે અને ખેતી વિશે કામો માટે નાગરિકો કઠલાલ અને અમદાવાદ તરફ્ જતા હોય છે.કઠલાલ તરફ્ આવવાનો રોડ સારી કન્ડિશનમાં છે પરંતુ પીઠાઈ થી અમદાવાદ ઇન્દોર હાઇવે અને સરાલી કે છીપડી તથા હલદરવાસ તરફ્ જવાનો તેમજ અમદાવાદ તરફ્ જવાનો રોડ ખુબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.આ રોડ પાસે લગાવેલ બોર્ડ ઉપરથી જાણવા મળે છે કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં બે કિલોમીટર ની લંબાઈ ધરાવતા આ રોડ માટે 112.02 લાખની રકમ નું ટેન્ડર મંજુર થયું હતું અને કામ શરૂ કરવાની તારીખ 31.3.2021 તથા કામ પૂર્ણ કરવાની તારીખ 31.12.2021 જોવા મળી રહી છે. જો આ બોર્ડને સાચું માનીએ તો આ રોડ ને બે વર્ષ કરતા પણ વધુ સમય થયો હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ પૂર્ણ કરાયું નથી અને આ રોડ તદ્દન બિસ્માર અને ઉબડ ખાબડ હાલતમાં જોવા મળી રહ્યો છે.આ રોડ પરથી અનેક નાના મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે ધુળની ડમરીઓ પણ ખરાબ રોડના કારણે ઉડે છે અને રોડ ઉપર પડેલ નાના મોટા ખાડાઓના કારણે વાહનો તેમજ વાહન ચાલકોને નુકસાન કે અકસ્માત થવાની પણ સંપુર્ણ શક્યતાઓ રહેલી છે.જો કોઈ ફેરવીલ કે મોટું વાહન જતું હોય અને તેની પાછળ કોઈ બાઈક ચાલક કે રાહદારી જતો હોય તો ઉડતી ઘુળની ડમરીઓના કારણે આગળ જોવું મુશ્કેલ થઈ જાય છે અને અકસ્માતની પણ સંભાવનાઓ વધી જાય છે.મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટરને અનેક નોટિસો આપવામાં આવી છે તેમ છતાં pwd ની નોટિસોને પણ કોન્ટ્રાક્ટર ઘોળી ને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ અધૂરું છોડી દીધું હોવાના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો આ રોડ ઉપર અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે.ખરાબ ગુણવત્તા ના રોડ બનાવનાર અને રોડના કામ અધૂરા છોડી દેનાર કોન્ટ્રાક્ટરોને જાણે કોઈનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.જોકે પીડબ્લ્યુડી નોટિસો બાદ પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ પૂરું કરવામાં આવી રહ્યું નથી ત્યારે લોકોમાં અનેક પ્રશ્નો ઉભ્દવી રહ્યા છે.


