- વડાપ્રધાન 6 માર્ચે સંદેશખાલી નજીક મહિલા સંમેલનને સંબોધશે
- લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં પક્ષની તૈયારીઓને મૂર્ત રૂપ આપવાનો પણ વ્યૂહ
- તૃણમૂલ નેતા સામે દુષ્કર્મનો વધુ એક કેસ દાખલ
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના ઉત્પીડનનો મુદ્દો ચર્ચામાં છે. ભાજપ સહિત રાજ્યના વિપક્ષો મમતા બેનરજી સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 માર્ચે સંદેશખાલી જઇને પીડિત મહિલાઓને મળશે, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના કદાવર નેતા શાહજહાં શેખ અને તેના સમર્થકો સામે જમીનો પચાવી પાડવાનો અને જાતીય ઉત્પીડનનો આરોપ મૂક્યો છે. વડાપ્રધાન મોદી સંદેશખાલી નજીક મહિલા સંમેલનને સંબોધન પણ કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાનની પશ્ચિમ બંગાળની મુલાકાત લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં પક્ષની તૈયારીઓને મૂર્ત રૂપ આપવા માટે પણ છે.
સંદેશખાલીનો મામલો સામે આવ્યા બાદ તમામ વિપક્ષી નેતાઓ ઘટનાસ્થળે પહોંચવા પ્રયાસ કરી રહ્યા હતા. મમતા સરકારે શરૂમાં તેમને સંદેશખાલી નહોતા જવા દીધા. ત્યાર બાદ હાઇકોર્ટની મંજૂરી મળ્યા પછી વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારી સહિત ભાજપના કેટલાક ધારાસભ્યો સંદેશખાલી પહોંચીને સ્થાનિકોને મળ્યા હતા. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશપ્રમુખ સુકાંત મજૂમદારે જણાવ્યું કે વડાપ્રધાન મોદી 6 માર્ચે ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાતમાં મહિલાઓના સંમેલનને સંબોધશે.
તૃણમૂલ નેતા સામે દુષ્કર્મનો વધુ એક કેસ દાખલ
પ.બંગાળમાં શાહજહાં શેખના ખાસ ગણાતા તૃણમૂલ નેતા શિબુ હાજરા સામે દુષ્કર્મનો વધુ એક કેસ દાખલ થયો છે. દુષ્કર્મના અન્ય એક કેસમાં તેની પહેલાથી ધરપકડ થઇ ચૂકી છે. સંદેશખાલીની દુષ્કર્મપીડિતાએ રાષ્ટ્રીય મહિલા પંચનાં અધ્યક્ષ રેખા શર્માને મળ્યા બાદ શિબુ હાજરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની સામે આઇપીસીની કલમ 376 સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.


