- ખેડૂત આંદોલન વચ્ચે કેન્દ્રીય કેબિનેટે કરી શેરડીના ટેકાના ભાવમાં વધારો કર્યો
- શેરડીની ખરીદી માટે FRPમાં 8% સુધીનો વધારો કરીને 340 રૂ/ક્વિન્ટલ કર્યો
- નેતૃત્વમાં ખેડૂત કલ્યાણને સમર્પિત મોદી સરકાર: ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્ર સરકારે શેરડીના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ગુરુવારે 22 ફેબ્રુઆરીના રોજ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણને સમર્પિત મોદી સરકારે આગામી સિઝન માટે દેશના શેરડીના ખેડૂતોને એક અનોખી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે ખાંડ મિલો દ્વારા 1 ઓકટોબર 2024 થી 30 સપ્ટેમ્બર, 2025 વચ્ચે શેરડીની ખરીદી માટે FRPમાં 8 ટકા સુધીનો વધારો કરીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ FRP નક્કી કરવામાં આવી છે.”
બોર્ડર અને ફ્લડ મેનેજમેન્ટ માટે પણ મોટી રકમ ફાળવી
ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટમાં કહ્યું કે દેશના 5 કરોડથી વધુ શેરડીના ખેડૂતોના હિતમાં લીધેલા આ નિર્ણય માટે હું પીએમ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તો, સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પૂર વ્યવસ્થાપન અને બોર્ડર એરિયા પ્રોગ્રામ માટે 4100 કરોડ રૂપિયાની રકમ ફાળવવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળવા પર ખુશી વ્યક્ત કરી હતી. આ માટે તેણે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા છે.
કેન્દ્ર સરકારે 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ વધારો કર્યો
ખેડૂતોના દિલ્હી ચલો કૂચ આહ્વાન વચ્ચે કેન્દ્ર સરકારે શેરડીની ખરીદીને લઈને મોટો નિર્ણય લીધો છે. ગઇકાલે બુધવારે 21 ફેબ્રુઆરીના રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં શેરડીની ખરીદીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો કરવાને મંજૂરી આપવામાં આવી હતી. શેરડીની ખરીદીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 315 રૂપિયાથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. ખુદ પીએમ મોદીએ પણ સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
જણાવી દઈએ કે, આ મંજૂરી સાથે સુગર મિલો શેરડીની FRP 10.25 ટકાની વસૂલાત પર 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો દર ચૂકવશે. વસૂલાતમાં પ્રત્યેક 0.1 ટકાના વધારા સાથે, ખેડૂતોને 3.32 રૂપિયાની વધારાની કિંમત મળશે, જ્યારે વસૂલાતમાં દર 0.1 ટકાના ઘટાડા માટે સમાન રકમ કાપવામાં આવશે.


