- બસો ફાળવતાં ગુરૂવારે સવારે ડેપોમાં બસના દર્શન દુર્લભ બન્યાં હતાં
- બસની પ્રતિક્ષા કરતાં મુસાફરોમાં આકોશની લાગણી ઉભી થવા પામી
- બસ સ્ટેન્ડમાં આવી ગયેલાં મુસાફરોની કફોડી સ્થિતિ થવા પામી હતી
વિસનગર તાલુકાના તરભ વાડીનાથ,અમદાવાદ અને નવસારી ખાતે રરમી ફેબ્રુઆરીના રોજ યોજાયેલાં વડાપ્રધાનના કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકોને લઈ જવા માટે મહેસાણા એસટી ડીવીઝનના 12 ડેપોની 365 બસો ફાળવવામાં આવતાં બસમાં મુસાફરી કરતાં મુસાફરા રઝડી પડયાં હતાં.
પીએમના 3 કાર્યક્રમમાં બહુચરાજી ડેપોની 30થી વધુ બસો ફાળવતાં ગુરૂવારે સવારે ડેપોમાં બસના દર્શન દુર્લભ બન્યાં હતાં.બસ સ્ટેન્ડમાં રોજના સમય મુજબ ડેપોમાં બસો ન આવતાં બસની પ્રતિક્ષા કરતાં મુસાફરોમાં આકોશની લાગણી ઉભી થવા પામી હતી. પીએમના કાર્યક્રમમાં બસો ફાળવી દેવાની વાતથી વાકેફ મુસાફરોએ તો આગોતરૂ આયોજન કર્યુ હતું.પરંતુ અજાણ લોકો હાલાકીનો ભોગ બનવા પામ્યાં હતાં. નોકરી-ધંધા કરતાં લોકો, દવાખાને જતાં દર્દીઓ, અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ અને સામાજિક કામે જવા માટે બસ સ્ટેન્ડમાં આવી ગયેલાં મુસાફરોની કફોડી સ્થિતિ થવા પામી હતી.મુસાફરો પાસે ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ બેસવા સિવાય કોઈ વિકલ્પ ના રહેતાં ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર થયાં હતાં.ખાનગી વાહનો પોતાના સમયે વાહન ચાલુ કરતાં અને મનફાવે તેમ ભાડા વસુલતાં મુસાફરોના સમય અને નાણાંનો વ્યય થવા પામ્યો હતો.


