- સામાન્ય સભામાં પહેલીવાર કોઈ પ્રશ્ન જાહેરમાં સાંભળવા મળ્યો
- બે હજાર જેટલા આવાસો ઉભા થવાથી ગીચતા વધી જશે
- સરકારમાં ખાસ રજુઆત કરવા મેયરને ભલામણ કરાઈ
સેક્ટર-6માં બહુમાળી સરકારી આવાસોની વધતી જતી સંખ્યાને લઈ ગીચતા વધવાની દહેશત ભાજપના નગરસેવક મહેન્દ્ર દાસ દ્વારા સામાન્ય સભામાં વ્યક્ત કરવામાં આવી હતી. બજેટની વિષય બહારનો મુદ્દો હતો. પ્રજાલક્ષી પ્રશ્નોને કયારેય સામાન્ય સભામાં આજદિન સુધી ચર્ચાને સ્થાન નથી અપાયું, પરંતુ અહીં પ્રજા માટે નહિ પણ ભાજપના જ આગેવાનો આ સેક્ટરમાં રહેતા હોવાથી આ પ્રશ્ન સામાન્ય સભામાં આજે ચમક્યો હતો.
ભાજપના નગરસેવક મહેન્દ્ર પટેલ (દાસ)એ મેયરને રજુઆત કરતાં કહ્યું કે, સેક્ટર-6માં બહુમાળી સરકારી આવાસો માર્ગ-મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં સેક્ટર-6માં એક હજાર ઉપરાંત બહુમાળી સરકારી આવાસો બની ચૂક્યા છે. હજુ બીજા વધુ 400 ઉપરાંત આવાસો બનાવવાની વાત છે. આ જોતાં આ એક જ સેક્ટરમાં બે હજારથી વધુ બહુમાળી સરકારી આવાસો ઉભા થઈ જશે. જેના કારણે આ વિસ્તારમાં વસતીની ગીચતા ખૂબ વધી જશે તેવો ભય તેમના દ્વારા વ્યક્ત કરાયો હતો. તેમણે આ એક જ સેક્ટરમાં વધુ આવાસો બનતા અટકાવવા સરકારમાં ભલામણ કરવા મેયરને રજુઆત કરી હતી. અહીં કોમર્સિયલ બિલ્ડીંગ પણ આવેલુ છે. સેક્ટર-6માં જ સત્યાગ્રહ છાવણી આવેલી હોવાથી ત્યાં આંદોલનકારી દેખાવો કરવા આવતા હોય છે. તેને લઈને પણ અહીં ભીડ ભેગી થાય છે.
કડિયાનાકુ પણ આ જ સેક્ટરમાં ભરાય છે. ઓડીએફનો પણ અહીં મોટો પ્રશ્ન છે. કોઈપણ રીતે સેક્ટર-6માં બીજા નવા બહુમાળી સરકારી આવાસો બનતા અટકાવવા તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં જ મહાનગર ભાજપ પ્રમુખનું પણ નિવાસ છે. પુર્વ પ્રમુખ તથા નગરસેવક મહેન્દ્ર દાસ પણ અહીં જ રહે છે. જોકે પ્રજાને ધ્યાને રાખીને આ એક પ્રશ્ન સામાન્ય સભામાં ઉઠાવવામાં આવ્યો હોત તો સમજી શકાત. શહેરમાં નગરજનો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ અઢી વર્ષ દરમિયાનમાં સામાન્ય સભામાં અત્યારસુધીમાં એકપણ પ્રજાલક્ષી પ્રશ્નની ખૂલીને ચર્ચા નથી થઈ તે પણ એક નગ્ન સત્ય છે.


