- ઈમરાન ખાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને પત્ર લખી કરી હતી માંગ
- “લોન આપતા પહેલા ચૂંટણી પરિણામોનું ઓડિટ કરવો”: ઈમરાન
- ઈમરાન ખાનની માંગની વિપરીત સરકાર સાથે કામ કરવા ઉત્સુક IMF
શુક્રવાર 23 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને PTIના સંસ્થાપક ઈમરાન ખાને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ને એક પત્ર લખ્યો છે. આ પત્રના માધ્યમથી તેમણે પાકિસ્તાનને કોઈપણ પ્રકારની નવી લોન આપતા પહેલા ચૂંટણી પરિણામોનું ઓડિટ કરાવવાની સલાહ આપી છે. જોકે, IMFએ તેમની માંગને અવગણી કાઢી છે અને નવી સરકાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન IMFના ડાયરેક્ટર કોમ્યુનિકેશન જૂલી કોજેકે જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીના રોજ ધિરાણકર્તાએ સ્ટેન્ડબાય અરેંજમેન્ટ (SBA) હેઠળ 1.9 બિલિયન ડોલરનો હપ્તો આપવાનો નિર્ણય કર્યો છે. કોજેકે જણાવ્યું કે અર્થવ્યવસ્થાને સ્થિર કરવા અને સત્તાના પ્રયાસોનું અમે સમર્થન કરીએ છીએ.
આ દરમિયાન તેમણે પાકિસ્તાનની પહેલાંની સરકારની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કાર્યવાહક સરકાર અને અધિકારીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન આર્થિક સ્થિરતા જાળવી રાખી હતી. IMFના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે તેઓ પાકિસ્તાનના તમામ નાગરિકો માટે વ્યાપક આર્થિક સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા તેમની નીતિઓ અને નવી સરકાર સાથે કામ કરવા આતુર છે.
ઈમરાનની માંગ પર શું આપ્યો જવાબ?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૂલી કોજેકને ઈમરાન ખાનના નિવેદનને સવાલ કરવામાં આવ્યો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘હું તેમના હાલના રાજકીય ઘટનાક્રમ પર ટિપ્પણી નથી કરવા માંગતી.”
ઈમરાન ખાને કરી હતી માંગ
IMFનું આ નિવેદન પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારા વૈશ્વિક સ્તરે લોન આપનાર સંસ્થા IMFને લખવામાં આવેલ પત્ર બાદ આવ્યું છે. PTIના સંસ્થાપક ઈમરાન ખાને પત્રના માધ્યમથી નવી લોન કાર્યક્રમ માટે ઇસ્લામાબાદની સાથે ચર્ચા પહેલા સામાન્ય ચૂંટણીઓના પરિણામોનું ઓડિટ કરાવવા માટે અપીલ કરી હતી. ઈમરાનની માંગ હતી કે IMF પાકિસ્તાનને કોઈપણ પ્રકારની લોન આપતા પહેલા ચૂંટણી પરિણામોનું ઓડિટ કરાવે.


